જામીન:NSE અધિકારીઓના ફોન ટેપિંગ કેસમાં સંજય પાંડેને જામીન મળ્યાં

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂતપૂર્વ એમડી ચિત્રા રામકૃષ્ણને સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના અધિકારીઓના ગેરકાયદેસર ફોન ટેપિંગ અને જાસૂસીને લગતા મની લોન્ડરિંગ કેસ સંબંધમાં દિલ્હી હાઈ કોર્ટે ગુરુવારે જામીન આપ્યા હતા. જસ્ટિસ જસમીત સિંહે નોંધ્યું કે પાંડેની અરજી મંજૂર કરવામાં આવે છે. મની લોન્ડરિંગ કેસ, જેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરવામાં આવી રહી છે. ભારતીય દંડ સંહિતા, ભારતીય ટેલિગ્રાફ એક્ટ અને ભ્રષ્ટાચાર નિવારણ હેઠળના ગુના માટે પાંડે અને તેમની કંપની આઇએસઈસી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ સીબીઆઇની એફઆરઆઇ પરથી ઈડીએ કાર્યવાહી કરી હતી.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, આઇએસઈસીએ અન્ય આરોપીઓ સાથે કાવતરું રચીને 2009 અને 2017ની વચ્ચે એનએસઈ ખાતે એમટીએનએલ લાઈનોને ગેરકાયદેસર રીતે આંતરી હતી અને એનએસઈના વિવિધ અધિકારીઓના કોલ રેકોર્ડ કર્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આઇએસઈસી દ્વારા ટેલિફોન મોનિટરિંગ ભારતીય ટેલિગ્રાફ એક્ટની જોગવાઈઓ હેઠળ જરૂરી સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વિના અને એનએસઈ કર્મચારીઓની જાણ અથવા સંમતિ વિના પણ કરવામાં આવ્યું હતું.

પાંડેની ઈડી દ્વારા 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યાર બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ઑગસ્ટમાં ટ્રાયલ કોર્ટે આ કેસમાં પાંડેના જામીન ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પ્રથમદર્શી સામગ્રી દર્શાવે છે કે તે એનએસઈ પર કૉલ્સના રેકોર્ડિંગ અને મોનિટરિંગમાં તેઓ સક્રિયપણે સામેલ હતા અને એનએસઈના અદિકારી અને અન્યો સાથે તેઓ સીધો સંવાદ કરતા હતા.

ટ્રાયલ કોર્ટે નોંધ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા એકત્રિત કરવામાં આવેલી સામગ્રી દર્શાવે છે કે નિવૃત્ત આઇપીએસ અધિકારી 2006 પછી પણ આઇએસઈસીની બાબતો પર નિયંત્રણ ધરાવતા હતા, જ્યારે તેમણે ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું અને એનએસઈ અધિકારીઓ સાથેની બેઠકોમાં હાજરી આપતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...