જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ:સમૃદ્ધિ એક્સપ્રેસ વે મૂંગા પ્રાણીઓ માટે જોખમી, વાશીમ જિલ્લામાં 5 ગાયના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના લોકાર્પણ પહેલાં એના પર પુરપાટ ઝડપે વાહન ચલાવવાનું શરૂ થઈ ગયું છે. વાહનધારકોની લાપરવાહીના કારણે મૂગા પ્રાણીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. વાશીમ જિલ્લાના મંગરુળપીર તાલુકામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર અજ્ઞાત વાહન સાથે ટકરાવાથી 5 ગાયના કમકમાટીભર્યા મૃત્યુ થયાની ઘટના બની હતી. આ ઘટનાને કારણે પ્રાણીપ્રેમી અને જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ છે. રાજ્યના મહત્વકાંક્ષી પ્રકલ્પ સમૃદ્ધિ એક્સપ્રેસ વેના કેટલાક તબક્કાનું કામ પૂરું થયું છે. જો કે હજી એનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

લોકાર્પણનો કાર્યક્રમ બે વખત સ્થગિત કરીને આગળ ઠેલવામાં આવ્યો હતો. હલકા દરજ્જાના કામના કારણે પણ આ એક્સપ્રેસ વે ચર્ચામાં છે. વિદર્ભમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વેના લોકાર્પણની રાહ જોવાઈ રહી છે. સમૃદ્ધિ એક્સપ્રેસ વે તૈયાર છે એ ભાગમાંથી વાહનધારકો પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યા છે. તેથી અકસ્માત થઈ રહ્યા છે. એમાં અનેક જણના મૃત્યુ પણ થયા છે. આ પાર્શ્વભૂમિ પર અધિકૃત ઘોષણા થાય ત્યાં સુધી સમૃદ્ધિ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરવો નહીં એમ સ્પષ્ટ કરીને મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે વાહનવ્યવહાર પર બંધી મૂકી છે.

છતાં અનધિકૃત રીતે પરવાનગી વિના વાહનવ્યવહાર ચાલુ છે. સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે વાહન ચલાવવામાં આવતા મૂગા પ્રાણીઓ ભોગ બની રહ્યા છે. વાશીમ જિલ્લાના મંગરુળપીર તાલુકામાં પેડગાવથી પ્રાંગી દરમિયાન સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર અજ્ઞાત વાહનની ટક્કરથી 5 ગાયના મૃત્યુ થયા હતા.

આ ગાયના મૃતદેહ રસ્તા પર લોહીના ખાબોચિયામાં પડેલા હતા. સમૃદ્ધિ એક્સપ્રેસ વેના પેકેજ 201માં આ અકસ્માત થયો હતો. આ પેકેજના કામમાં અનેક ત્રુટિઓ હોવાનું સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર્યાવરણ બાધિત ગ્રામસંઘર્ષ સંગઠનના સમન્વયક સચિવ કુલકર્ણીએ જણાવ્યું હતું. આ સંદર્ભે વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...