કર્મચારીઓને એલર્ટ રહેવા સુચના:ધમકી મળ્યા બાદ સલમાન અને સલીમ ખાનની સુરક્ષા વધારાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખાનની મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી

અભિનેતા સલમાન ખાન અને તેના પિતા પટકથા લેખક સલીમ ખાનની સુરક્ષામાં વધુ વધારો કરવામાં આવ્યો છે. બંનેને જાનથી ખતમ કરવાની ધમકી આપતાં ગૃહ ખાતાએ તુરંત સુરક્ષા વધારી દીધી છે. ઉપરાંત સોમવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખાનના ઘરની મુલાકાત લીધી હતી અને સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી. ખાન પરિવારને આમ પણ સુરક્ષા અપાઈ છે, પરંતુ હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને સુરક્ષા કર્મચારીઓને પણ એલર્ટ રહેવા માટે જણાવાયું છે.

ખાસ કરીને સોમવારે કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે- પાટીલ, ડીસીપી મંજુનાથ શિંગે, સ્થાનિક બાંદરા પોલીસના અધિકારીઓની ટીમ સલમાનના ઘરે પહોંચી હતી. તેમણે ખાન પરિવાર સાથે વાત કરી હતી. શું ધ્યાન રાખવાનું છે તે વિશે સૂચનાઓ આપી હતી. 5 જૂને ખાનને ધમકીનો પત્ર મળ્યો હતો. આ સંબંધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

સવારે 7.30થી 8.00 વાગ્યા દરમિયાન સલમાન અને સલીમને નામે આ પત્ર મળ્યો હતો. બાંદરા પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ પણ સમાંતર તપાસ કરી રહી છે. સલીમ ખાને નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે સવારે રાબેતા મુજબ તેઓ બેન્ડ સ્ટેન્ડ પર મોર્નિંગ વોક પતાવીને એક બેન્ચ પર બેઠેલા હતા. તે સમયે તેમના બોડીગાર્ડે બેન્ચ પર એક પત્ર જોયો હતો.

તે ધમકીનો પત્ર છે એવી જાણ થતાં જ તેમણે પોલીસને જાણ કરી હતી. પત્રમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની જેમ જ ખાનને ખતમ કરવાની ધમકી આપવામાં આવી છે. આથી આ બાબતને પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. અજ્ઞાત વ્યક્તિએ પત્રમાં લખ્યું છે, સલીમ ખાન, સલમાન ખાન, ટૂંક સમયમાં જ તમારી અવસ્થા પણ સિદ્ધુ મૂસેવાલા જેવી થશે એવી ધમકી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...