શિવસેનાના ઠાકરે જૂથના નેતા અનિલ પરબના નજીકના સાથી અને રામદાસ કદમના ભાઈ સદાનંદ કદમને પીએમએલએ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. શુક્રવારે 10 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી.
સદાનંદ કદમની કસ્ટડીમાં વધારો થવાથી અનિલ પરબની મુશ્કેલીઓ વધી હોવાનું માનવામાં આવે છે. આરોપ છે કે અનિલ પરબે સદાનંદ કદમના નામે સાઈ રિસોર્ટ બનાવ્યું હતું. શુક્રવારે વહેલી સવારે ઈડીની ટીમે સદાનંદ કદમની અટકાયત કરી હતી. તેને 15 માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
બુધવારે તેની કસ્ટડી પૂરી થતાં કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈડીએ કસ્ટડી માગી હતી તેમ જ ધરપકડ હેઠળ રહેલા જયરામ દેશપાંડે અને સદાનંદ કદમની રૂબરૂ પૂછપરછ કરવા માગે છે. તે માટે કદમને ઈડીની કસ્ટડી આપવાની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયે 31 જાન્યુઆરી, 2022ના રોજ દાપોલી રત્નાગિરિ ખાતેના સાંઈ રિસોર્ટને અનધિકૃત તરીકે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. બંને રિસોર્ટને તેના માલિક અથવા મેનેજમેન્ટ દ્વારા 90 દિવસમાં તોડી પાડવાના હતા. જોકે 90 દિવસ વીતી ગયા છતાં હજુ પણ રિસોર્ટ તોડવામાં આવ્યું નથી. આ રિસોર્ટના ટ્રાન્ઝેક્શન કેસમાં મની લોન્ડરિંગનો આરોપ છે. રસપ્રદ વાત એ છે કે રાજ્યના બાંધકામ વિભાગે સાઈ રિસોર્ટને તોડી પાડવા માટે સ્થાનિક અખબારમાં જાહેરાત આપી હતી.
દાપોલીના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ જયરામ દેશપાંડેની કથિત સાઈ રિસોર્ટ કૌભાંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર સાઈ રિસોર્ટના સંચાલન માટે ગેરકાયદેસર પરવાનગી આપવાનો આરોપ છે. દેશપાંડેને અગાઉ ઓફિસમાં હતા ત્યારે અનિયમિતતાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ તપાસ ચાલી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.