રાજ્યના માજી ગૃહમંત્રી સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસમાં વિશેષ કોર્ટે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેને શુક્રવારે જામીન આપ્યા હતા. જોકે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો સાથેનું વાહન પાર્ક કરીને ગભરાટ ફેલાવવા માટે અને ત્યાર પછી તેના થાણેના વેપારી મિત્ર મનસુખ હિરનની હત્યા કરવા સહિતના અન્ય કેસમાં વાઝે જેલમાં જ રહેશે.સીઆરપીસીની કલમ 88 હેઠળ વાઝેની આ બીજી અરજી કરી હતી.
આ કલમ હેઠળ કઠોર પીએમએલએ હેઠળ અગાઉ ધરપકડ કર્યા વિના આરોપીને ન્યાયિક કસ્ટડીમાં રખાયો હતો.પીએમએલએ કેસ માટેના વિશેષ જજ આર એન રોકડેએ વાઝેની અરજીને મંજૂર કરી હતી. ઈડીએ વાઝેની આરોપી તરીકે નોંધ કરી હોવા છતાં આ કેસમાં તેની વિધિસર રીતે ક્યારેય ધરપકડ કરાઈ નહોતી.જામીન અરજીમાં વાઝેના વકીલ સજલ યાદવ અને હર્ષ ગાંગુર્ડેએ કોર્ટને જણાવ્યું કે વાઝેની પીએમએલએ હેઠળ ધરપકડ કરાઈ નહોતી અને તેથી ધારાની કડક જોગવાઈ (જેના હેઠળ જામીન મળવાનું મુશ્કેલ છે) વાઝેને લાગુ થતી નથી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર વાઝેએ સંજોગોમાં બદલાવને લઈ મુંબઈ હાઈ કોર્ટ દ્વારા દેશમુખને જામીન અપાયા તેનો દાખલો પણ આપ્યો હતો. આ વર્ષે જૂનમાં વાઝેએ તાજનો સાક્ષીદાર બનવા પીએમએલએ કોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદ પક્ષે તેને મંજૂરી આપી હતી, એમ જામીન અરજીમાં જણાવાયું હતું.
વાઝેને જામીન આપતાં કોર્ટે નોંધ્યું કે ઈડી દ્વારા તેની ક્યારેય ધરપકડ કરાઈ નહોતી. તેણે તપાસમાં સહયોગ આપ્યો છે અને ઈડીએ કેસમાં માફી આપવાની તેની અરજીનો વિરોધ કર્યો નથી, એવું નિરીક્ષણ કોર્ટે કર્યું હતું.આ જ કોર્ટમાં હાઈ કોર્ટ દ્વારા દેશમુખને જામીન અપાયા તે પણ ધ્યાનમાં લેવાયું હતું. જોકે ઈડીના કેસમાં વાઝેને તાજનો સાક્ષીદાર બનવા દેવું કે નહીં તે અંગે હજુ કોર્ટે ફેંસલો કર્યો નથી. જોકે સીબીઆઈ તપાસ કરી રહી છે તે કેસમાં વાઝેને તાજનો સાક્ષીદાર બનવા મંજૂરી અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.