ગોળીબારનો કેસ ઉકેલાયો:થાણામાં કચ્છી વેપારી પર ગોળીબાર કરનારા લૂંટારા 1 વર્ષ પછી ઝડપાયા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરફોડીના કેસમાં 3 આરોપી ઝડપાતાં ગોળીબારનો કેસ ઉકેલાયો

5 ફેબ્રુઆરી, 2021ની રાત્રે 9.15 વાગ્યે પૂર્વ કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામના વતની અને હાલ થાણાના રહેવાસી વાગડ સમાજના 37 વર્ષીય ચેતન ગોવિંદજી ઠકકરને લૂંટવાને ઈરાદે ગોળીબાર કરીને ગંભીર ઈજા પહોંચાડનારા લૂંટારા એક વર્ષ પછી ઝડપાયા છે. 5 જાન્યુઆરી, 2023ના રોજ થાણેમાં થયેલી એક ઘરફોડીના કેસમાં પોલીસે ત્રણ જણને ઝડપી લીધા, જેમની ઊલટતપાસમાં ચેતન ઠક્કર પર લૂંટને ઈરાદે તેમણે જ ગોળીબાર કર્યો હતો એવું બહાર આવ્યું છે.

થાણેના રાબોડીમાં આ વર્ષે 5 જાન્યુઆરીના રોજ ઘરફોડી થઈ હતી.આ કેસની તપાસમાં પોલીસે ભંગાર વિક્રેતા રફિક મહેબૂબ શેફ ઉર્ફે રફિક બાટલા (40), રિક્ષાચાલક રમેશ કુવર રામ (33) અને અંજુમ ઈબ્રાહિમ શેખ (40)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 1.81 લાખનો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. ઉપરાંત રફિક અને રમેશના ઘરની તલાશી લેતાં બે રિવોલ્વર અને જીવંત કારતૂસ પણ મળી આવ્યાં હતાં. ત્રણેય આરોપીઓ સામે ગોળીબાર, હત્યાનો પ્રયાસ, ઘરફોડી જેવા અનેક ગુના દાખલ છે. આથી તેમની સામે હવે મકોકા લાગુ કરવામાં આવ્યો છે, એમ ડીસીપી ગણેશ ગાવડેએ જણાવ્યું હતું.

આરોપીઓ દ્વારા કરાયેલા ગોળીબારમાં ચેતન ઠક્કર આ રીતે બચી ગયો
ચેતન કશું વિચારે તે પૂર્વે જ સ્કૂટી પર પાછળ બેઠેલાએ એક પછી એક ત્રણ ગોળીઓ ચેતન તરફ છોડી હતી, જેમાંથી એક ગોળી ચેતનના પેટમાં લાગી હતી. દરમિયાન ઘાયલ ચેતન તુરંત ઈશ્વર સોસાયટીમાં ઘૂસી જતાં બચી ગયો હતો. હુમલાખોરો જોખમ જણાતાં ત્યાંથી નાસી ગયા હતા.

હુમલાખોરોએ જાનથી ખતમ કરવાના ઉદ્દેશથી જ ત્રણ ગોળીઓ છોડી હોવી જોઈએ, એમ સિનિયર પીઆઈ સંતોષ ઘાટેકરે જણાવ્યું હતું. દરમિયાન થોડા જ સમયમાં ચેતનના પિતા પણ બાઈક પરથી આવી પહોંચ્યા હતા. આ પછી ચેતનને નજીકની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં પેટ પર ઓપરેશન કરી ગોળી કાઢવામાં આવી હતી.

ઠક્કર પરિવારની ફરિયાદ

ઠક્કર પરિવાર છેલ્લાં ઘણાં વર્ષોથી થાણા ખાતે તેલ વેચાણનો વ્યવસાય ચલાવે છે. ચેતનના પિતા ગોવિંદજી ઠક્કરે નોંધાવેલી ફરિયાદ અનુસાર થાણામાં રાબોડી પોલીસ સ્ટેશનની હદમાં કોલબાડ વિસ્તારમાં ઠક્કર પરિવારની કરિયાણું અને તેલની દુકાનો છે. રોજ મુજબ ચેતન પાયલ ઓઈલ ટ્રેડિંગ નામે તેલનું હોલસેલ અને રિટેઈલ વેચાણ કરતી દુકાન વધાવીને 5 ફેબ્રુઆરી, 2021ની રાત્રે 9 વાગ્યે થાણેમાં પોતાના ઈશ્વર સોસાયટીમાં ઘરે બાઈક પરથી જતો હતો. તેની પાસે રૂ. 2 લાખની રોકડ હતી. કોલબાડના નાકા પર અમૃતા બિયર બાર સામે આવ્યો ત્યારે એક વ્હાઈટ સ્કૂટી પરથી બે અજ્ઞાત શખસો તેની નજીક આવ્યા હતા.

પોલીસની પાંચ ટીમ નિષ્ફળ
આ ઘટના પછી વેપારીઓમાં અસંતોષ ફેલાયો હતો. આથી આરોપીઓને ઝડપી લેવા માટે પાંચ વિશેષ ટીમ બનાવી હતી. સીસીટીવી, આસપાસના લોકોની પૂછપરછ કરવા છતાં કશું જ મળ્યું નહોતું. આથી પોલીસે આશા છોડી દીધી હતી. જોકે રાબોડીમાં ઘરફોડીના કેસમાં આરોપીઓ ઝડપાતાં ગોળીબારનો કેસ પણ ઉકેલાઈ ગયો છે.

ઠક્કર પર ગોળીબાર
5 ફેબ્રુઆરી, 2021ની રાત્રે 9.00 વાગ્યે ચેતન રોજ મુજબ દુકાન વધાવીને બાઈક પર ઘેર જતો હતો ત્યારે રફિક અને રમેશે બાઈક પર તો પીછો કર્યો હતો. તેની પાસે રૂ. 2 લાખ છે એવી જાણ હોવાથી તે લૂંટવાનો ઈરાદો હતો. તે માટે તેમણે ગોળીબાર કર્યો હતો, જેમાં ઠક્કરને ગંભીર ઈજા પહોંચી હતા. આમ છતાં ઠક્કરે હિંમત પોતાની સોસાયટીના સંકુલમાં ઘૂસી જતાં આરોપીઓ પકડાઈ જવાની બીકે ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...