ભાજપ પર ગંભીર આરોપ:અંધેરીની પેટાચૂંટણીમાં ઋતુજા લડકેની જીતથી ઠાકરે જૂથનો આત્મવિશ્વાસ વધ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોટાને 12,778 મત માટે ભાજપને જવાબદાર ઠરાવ્યો

ભાજપની પીછેહઠ પછી લગભગ એકતરફી બનેલી પરંતુ નોટા ફેક્ટરને લીધે ઊલટફેરની શક્યતા ધરાતી અંધેરી પૂર્વની પેટાચૂંટણીમાં ઠાકરે જૂથનાં ઋતુજા રમેશ લટકેએ નિર્વિવાદ જીત મેળવી હતી. જોકે આ પેટચૂંટણીમાં નોટાને નોંધપાત્ર મતો પડ્યા હોવા છતાં લટકેની જીતના માર્ગમાં કોઈ અવરોધ પેદા થયો નહોતો. આ જીત પછી આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને આત્મવિશ્વાસ વધ્યો હોવાના સંકેત આપ્યા હતા. આ જીત નિષ્ઠાની જીત હોવાનું તેમણે જણાવ્યું હતું.

રવિવારે જાહેર થયેલાં પરિણામ પછી આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને એક વિડિયો શેર કર્યો હતો. તેમાં લટકે અને શિવસેનાની મશાલનું ચિહન દેખાય છે. આ જ મશાલ હવે આખા મુંબઈ સાથે મહારાષ્ટ્રમાં ધગધગશે એમ કહીને ભવિષ્યમાં આક્રમક રીતે લડવાનો સંકેત આપ્યા હતા. આ જીત સ્વ. રમેશ લટકેનાં કામોની છે, નિષ્ઠાની છે, શિવસૈનિકોની જીદની છે અને શિવસેના ઉપરાંત ઉદ્ધવ ઠાકરે પર જનતાના દ્રઢવિશ્વાસની છે. આ જીતથી ઊભી થયેલી ઊર્જાની લહેર મહારાષ્ટ્રમાં ફેલાશે એવી ખાતરી છે, એમ તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું.

રવિવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. પ્રથમ રાઉન્ડથી જ લટકે આગળ હતાં. લટકેને 66,247 મત મળ્યા હતા, જ્યારે નોટાને 12,778 મત મળ્યા હતા અને 1459 મત સાથે રાજેશ ત્રિપાઠી ત્રીજા ક્રમે રહ્યા હતા. લટકેની આ જીત સાથે ઠાકરે જૂથની શિવસેનાએ એકનાથ શિંદેના બળવા પછી મશાલ ચિહન પર પ્રથમ વિધાનસભ્ય ચૂંટી લાવ્ય છે. મશાલ ચિહન પર આ જીત ઠાકરે માટે મહત્ત્વપૂર્ણ અને બળ આપનારી નીવડશે એમ રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું.

ભાજપ પર ગંભીર આરોપ
આ પેટાચૂંટણીમાં નોટાને મત મળ્યા તે બધા ભાજપના છે. પોતાને ચૂંટણીમાં ઓછા મત મળશે એવો અંદાજ આવવાથી જ ભાજપે ઉમેદવારી છેલ્લી ઘડીએ પાછી ખેંચી લીધી હતી, કારણ કે આ સંબંધમાં ભાજપે એક સર્વે પણ કર્યો હતો. ભાજપને જો મારા પ્રત્યે ખરેખર સહાનુભૂતિ હોત તો તેમણે અગાઉ ઉમેદવારી જ ભરી નહીં હોત, એમ લટકેએ જણાવ્યું હતું.

કોને કેટલા મત મળ્યા છે
વિધાનસભા 166- અંધેરી પૂર્વ મતવિસ્તારની ચૂંટણીમાં ઉમેદવારો ટપાલી મતપત્રક અને ઈવીએમ દ્વારા એકત્રિત નીચે મુજબ મત મળ્યા છે. લટકેને 66,530, આપની અપની પાર્ટીના બાળા નાડરને 1515, રાઈટ ટુ રિકોલ પાર્ટીના મનોજ નાયક 900, અપક્ષો નીના ખેડેકર 1531, ફરહાના સૈયદ 1093, મિલિંદ કાંબળે 624, રાજેશ ત્રિપાઠી 1571 અને નોટા 12,806 મળી કુલ 86,570 મત પડ્યા હતા. 22 મત બાદબાકી થઈ ગયા હતા. નોંધનીય છે કે છેલ્લાં 10 વર્ષમાં આ સૌથી ઓછું મતદાન હતું.

અમારી મદદથી લટકે જીત્યાં: ભાજપ
દરમિયાન ભાજપના મુંબઈ પ્રદેશાધ્યક્ષ આશિષ શેલારે જણાવ્યું કે અમારી મદદથી જ લટકે જીત્યાં છે. લટકેને આ માટે અભિનંદન. કોંગ્રેસ, રાષ્ટ્રવાદી, ભાકપ સહિત એક ડઝન પક્ષોએ ટેકો આપીને પણ મતદાન વધુ થયું નહીં અને ઠાકરે જૂથને વધુ મત મળ્યા નહીં. જો ભાજપે ચૂંટણી લડી હોત તો લટકેની હાર નિશ્ચિત હતી.

ભાજપે પૈસા આપીને નોટા પ્રચાર કર્યો
દરમિયાન ઠાકરે જૂથના નેતા અનિલ પરબે જણાવ્યું કે ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા પૈસા આપીને નોટાનો પ્રચાર કરવામાં આવ્યો હતો. કાયદા અનુસાર નોટાનો પ્રચાર કકરી શકાય નહીં. નોટાનો ઉપયોગ જેને કોઈ પણ ઉમેદવાર યોગ્ય લાગતાં નથી તેમને કરવાનો અધિકાર છે. જોક ચૂંટણી પૂર્વે અમુક જગ્યાએ પૈસા આપીને નોટાનો પ્રચાર ચલાવવામાં આવતો હતો. અમે પોલીસ અને ચૂંટણીપંચને આ બાબતે ફરિયાદ કરી હતી. મેં પોતે ચૂંટણી પંચ પાસે નોટાનો પ્રચાર ચાલી રહ્યો હોવાનો વિડિયો મોકલ્યો હતો. લેખિત સૂચના પણ આપી હતી. જોકે કોઈ પગલાં લેવાયાં નહીં. આથી નોટાના મત ગેરમાર્ગે મેળવવામાં આવ્યા હતા, એવો આરોપ તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...