માગણી:CNGમાં ભાવવધારાને લીધે રિક્ષા- ટેક્સીનો પ્રવાસ મોંઘો, સંગઠનો દ્વારા પ્રવાસભાડાંમાં વધારો કરવા માગ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

સીએનજી ગેસના ભાવમાં થઈ રહેલા વધારાનો બોજ ગ્રાહકો પર પડવાનો છે. સીએનજી ગેસના ભાવ મોટે પાયે વધ્યા છે. ઉપરાંત મોંઘવારીમાં પણ વધારો થયો હોવાથી રિક્ષા- ટેક્સી સંગઠનોએ પ્રવાસ ભાડાંમાં વધારો કરવાની માગણી કરી છે. આ અંગે આગામી અઠવાડિયામાં રિક્ષા, ટેક્સી સંગઠન અને પરિવહન વિભાગની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભાવવધારા બાબતનો નિર્ણય લેવાય એવી શક્યતા છે.

કોરોનાને લઈ લાદવામાં આવેલા લોકડાઉનનાં નિયંત્રણો ઉઠાવી લીધા પછી ભાવવધારો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને તે સમયે રિક્ષા, ટેક્સી સંગઠન દ્વારા ભાડાંવધારા માટે આગ્રહભરી માગણી કરાઈ નહોતી. આમ છતાં આ ભાવવધારો કરવામાં આવ્યો હતો. ગત થોડા મહિનાથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થયો છે.

રાજ્ય સરકારે બજેટમાં સીએનજી ગેસના ભાવમાં કપાત કરી હતી. આ પછી કેન્દ્ર સરકારે સીએનજી ગેસના ભાવમાં મોટો વધારો કર્યો હતો. હાલમાં સીએનજી ગેસનો ભાવ કિલોદીઠ રૂ. 80 સુધી પહોંચી ગયા છે. રાજ્યની મોટા ભાગની રિક્ષા- ટેક્સીઓ સીએનજી ગેસ પર ચાલે છે. આથી આ ભાવવધારાનો ફટકો રિક્ષા- ટેક્સી ચાલકોને પડી રહ્યો છે. ઉપરાંત વધતી મોંઘવારીના સમયમાં આર્થિક ગણિત જોડવાનું રિક્ષા- ટેક્સી ચાલકો માટે મુશ્કેલ બની ગયું છે.

લઘુતમ ભાડું રૂ. 30 કરવા માગણી
ટેક્સી ચાલક સંગઠને રાજ્ય પરિવહન વિભાગ પાસે લઘુતમ ભાડામાં રૂ. 5 વધારવા માગણી કરી છે. હાલમાં લઘુતમ ભાડું રૂ. 25 છે, જે વધારવામાં આવતાં રૂ. 30 થઈ શકે છે. પરિવહન વિભાગ જોકે વચલો માર્ગ કાઢીને લઘુતમ ભાડું રૂ. 4 વધારે એવી શક્યતા છે. રિક્ષાનું લઘુતમ ભાડું પણ રૂ. 3-4 વધી શકે છે.

હાલમાં તેનું લઘુતમ ભાડું રૂ. 21 છે. દરમિયાન રિક્ષા અને ટેક્સી ભાડાં વધારવા બાબતે રાજ્ય સરકાર વિચાર કરી રહી છે એમ પરિવહન મંત્રી અનિલ પરબે જણાવ્યું હતું. આરટીઓમાં છ સુવિધાઓ ફેસલેસ કરવાના કાર્યક્રમના શુભારંભના અવસરે તેમણે આ માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...