કોર્ટનો હુકમ:ડ્રગ્સ કેસની આરોપી રિયાને વિદેશ પ્રવાસની કોર્ટની મંજૂરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારકિર્દીને મોટો ફટકો પડ્યો અને આર્થિક નુકસાનનું પણ કારણ આપ્યું

ડ્રગ્સ કેસનો સામનો કરતી અભિનેત્રી રિયા ચક્રવર્તીને આઈફા એવોર્ડસ માટે આ સપ્તાહમાં ચાર દિવસ વિદેશ જવા માટે વિશેષ કોર્ટના જજ એ એ જોગલેકરે બુધવારે પરવાનગી આપી છે. નિખિલ માનેશિંદે વતી અરજી કરવામાં આવી હતી. આઈફા એવોર્ડસ માટે તેને 2થી 5 જૂન સુધી અબુ ધાબી જવાની પરવાનગી આપી છે.રિયાએ તેના પ્રવાસનું સમયપત્ર એનસીબીને આપવાનું રહેશે.

અબુ ધાબીમાં રોજ ભારતીય રાજદૂતાલયમાં હાજરી પુરાવવાની રહેશે અને મુંબઈમાં પાછી આવ્યા પછી એનસીબીને ફરીથી પાસપોર્ટ સુપરત કરવાનો રહેશે, એવી શરત કોર્ટે રાખી છે.2020માં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી ડ્રગ્સ કેસની તપાસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા રિયાની સંડોવણી બહાર આવતાં સપ્ટેમ્બર 2020માં ધરપકડ કરવામાં આવી હતી. એક મહિનો જેલમાં વિતાવ્યા પછી તેને કોર્ટની પરવાનગી વિના વિદેશ નહીં જઈ શકે એ સહિતની શરતો પર જામીન આપવામાં આવ્યા હતા.

રિયાએ અરજીમાં જણાવ્યું છે કે ફોજદારી કાર્યવાહીને લીધે તેની અભિનયની કારકિર્દીને માઠી અસર થઈ છે અને તેને નાણાકીય નુકસાન થયું છે. આ કેસ અને તેની આસપાસના સંજોગોને લીધે રિયાને કારકિર્દીમાં મોટો ફટકો પડ્યો છે અને મોટું આર્થિક નુકસાન થયું છે, એમ માનેશિંદેએ જણાવ્યું હતું.આથી ફિલ્મોદ્યોગમાં રિયાની ભાવિ સંભાવનાઓ માટે આવી તકો બહુ મહત્ત્વપૂર્ણ છે.

રિયાનાં વૃદ્ધ માતા- પિતા પણ નાણાકીય રીતે તેની પર આધાર રાખે છે, એવી રજૂઆત કરવામાં આવી હતી.આઈફાના ડાયરેક્ટરે તેને ગ્રીન કાર્પેટ પર ચાલવા, એવોર્ડસ આપવા અને ઈન્ટરએકશનનું સૂત્રસંચાલન કરવા માટે આમંત્રણ આપ્યુ છે.

રિયાએ નિયમિત રીતે કોર્ટની તારીખે હાજરી આપી છે અને પ્રવાસથી તેની કોર્ટની સુનાવણીને અસર નહીં થાય તેનું ધ્યાન રાખશે, એવી રજૂઆત પણ કરવામાં આવી હતી.ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઈ શોવિક અને અન્ય અનેક સાથે ડ્રગ્સ સેવન, કબજામાં રાખવું, ખરીદીનો આરોપ છે.

મોટા ભાગના જામીન પર છે. 14 જૂન, 2020ના રોજ સુશાંતસિંહ (34) બાંદરાના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. રિયા પર ડ્રગ્સ વેચાતું લઈને સુશાંતસિંહને આપવાનો આરોપ હતો. બોલીવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગની અનેક હસ્તીનાં નામ ડ્રગ્સ કેસમાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...