ભાસ્કર વિશેષ:રાજ્યમાં તમામ જિલ્લાઓને એક્સપ્રેસ વેથી જોડાણનો સંકલ્પ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકાણને ઉતેજન આપવા પાયાભૂત સુવિધાના પ્રકલ્પને ઝડપી કરવા મંત્રાલયમાં વોરરૂમ

રાજ્યમાં પાયાભૂત સુવિધાઓ વધુ મજબૂત કરતા તમામ જિલ્લાઓને એક્સપ્રેસ વેથી જોડવાનો સંકલ્પ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યો છે. રાજ્યમાં સાડા ચાર હજાર કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેનું જાળું નિર્માણ કરવામાં આવશે અને એમાં કેટલાક નવા એક્સપ્રેસ વેની વ્યવહારિકતા તપાસવામાં આવશે. રાજ્યમાં રોકાણને ઉતેજન આપવા પાયાભૂત સુવિધા મોટા પ્રમાણમાં ઊભી કરવાની ઘોષણા સરકારે કરી છે. રાજ્યમાં મહત્વની પાયાભૂત સુવિધા પ્રકલ્પનો કયાસ કાઢીને એને ઝડપી કરવા મંત્રાલયમાં વોરરૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં 94 કિલોમીટર લાંબા મુંબઈ-પુણે અને 701 કિલોમીટર લાંબા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વેથી કેટલાક જિલ્લાઓ જોડાયા છે. જાલના-નાંદેડ, નાગપુર-ગોંદિયા, ગોંદિયા-ગડચિરોલી, ગડચિરોલી-નાગપુર તેમ જ 317 કિલોમીટર લાંબો કોકણ એક્સપ્રેસ વે, વિરાર-અલિબાગ મલ્ટિપર્પઝ હાઈવે જેવા 1176 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેનું નિયોજન પૂરું થયું છે. કેટલાક એક્સપ્રેસ વે માટે ટેંડર પ્રક્રિયા શરૂ થઈ છે. ઉપરાંત રાજ્ય રસ્તા વિકાસ મહામંડળને વધુ 2 હજાર 200 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેની વ્યવહારિકતા તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે.

એમાં બદલાપુર-શિરુર-બીડ-લાતુર (રાજ્યની સીમા સુધી), કોલ્હાપુર-સોલાપુર-લાતુર-નાંદેડ-યવતમાળ-નાગપુર તેમ જ નાશિક-ધુળે-જલગામ-અમરાવતી-નાગપુર, ઔરંગાબાદ-જલગામ, ઉમરેડ-ચંદ્રપુર (રાજ્યની સીમા સુધી), ધુળે-નંદુરબાર (રાજ્યની સીમા સુધી) એક્સપ્રેસ વેનો સમાવેશ છે. એમાંથી કેટલાક એક્સપ્રેસ વે અત્યારે સ્ટેટ હાઈવે છે અને કેટલાક નવેસરથી તૈયાર કરવામાં આવશે. આ પ્રકલ્પમાં ભૌગોલિક અને નાણાકીય વ્યવહારિકતા તપાસવાની જવાબદારી મહામંડળને સોંપવામાં આવી છે.

1.12 લાખ કરોડનું ભંડોળ : એક તરફ મેટ્રો, રસ્તા, રેલવેના માધ્યમથી પાયાભૂત સુવિધાઓ વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારે હવે તમામ જિલ્લાઓને એક્સપ્રેસ વેથી જોડવાનું શરૂ કર્યું છે. એના માટે લગભગ એક લાખ કરોડ રૂપિયાના ખર્ચના મહારાષ્ટ્ર એક્સપ્રેસ વે ગ્રીડ પ્રકલ્પની સ્થાપના કરવામાં આવી છે. એ પૂરો કરવા માટે પ્રાથમિક અંદાજ અનુસાર 1 લાખ 12 હજાર કરોડ રૂપિયાના ભંડોળની જરૂર પડશે. એમાંથી થોડો ભાગ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તથા બાકીનું ભંડોળ રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ આપવામાં આવશે.

નેશનલ હાઈવેથી કેટલાક જિલ્લા જોડાશે
એ જ પ્રમાણે નેશનલ હાઈવે ડેવલપમેંટ ઓથોરિટીના માધ્યમથી પણ પુણે-ઔરંગાબાદ, સુરત-ચેન્નઈ, દિલ્હી-મુંબઈ વગેરે નેશનલ હાઈવેના કામ ચાલુ છે. આ હાઈવે રાજ્યમાંથી જતા હોવાથી એના લીધે કેટલાક જિલ્લા જોડાશે. મહારાષ્ટ્ર એક્સપ્રેસ વે ગ્રીડના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા એક્સપ્રેસ વેથી જોડવાની સરકારની યોજના છે. નવેસરથી શરૂ કરવાના પ્રકલ્પની વ્યવહારિકતા તપાસવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે. એ અનુસાર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે કામ શરૂ કર્યું છે એવી માહિતી વોરરૂમના સંચાલક રાધેશ્યામ મોપલવારે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...