છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજકારણી મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણી કરવામાં આવી રહી છે. આ ધ્યાનમાં લેતાં મહાવિકાસ આઘાડીની મહિલા સાંસદો- વિધાનસભ્યોના શિષ્ટમંડળે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મુલાકાત લીધી હતી. આ શિષ્ટમંડળમાં સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચન, રાષ્ટ્રવાદીનાં નેતા ફૌજિયા ખાન, વિદ્યા ચવ્હાણ, અદિતિ તટકરે, ઠાકરે જૂથનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, ઋતુજા લટકે, વંદના ચવ્હાણ અને મનીષા કાયંદેનો સમાવેશ થતો હતો.આ સમયે મહાવિકાસ આઘાડીની મહિલા સાંસદો- વિધાનસભ્યોએ ભાજપની જોરદાર ટીકા કરી હતી.
મહિલાઓનું અપમાન સહન કરાશે નહીં એ તરફ ધ્યાન દોરવા આ શિષ્ટમંડળે રાજ્યપાલની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યપાલ સામે મહિલાઓ પર થતા અત્યાચાર વિશે ફરિયાદ કરી હતી.આ પછી પત્રકારોને સંબોધન કરતાં જયા બચ્ચને જણાવ્યું કે અમે બધાએ મળીને રાજ્યપાલની મુલાકાત લીધી હતી. અમે આગામી મહિનામાં રાષ્ટ્રપતિની પણ મુલાકાત લઈશું. મહિલાઓનુ અપમાન સહન કરાશે નહીં.
કોઈ પણ રાજ્યની સરકાર હોય, રાજકારણી, સંસદની મહિલા અથવા કોઈ પણ મહિલા વિશે કોઈ પણ અશ્લીલ, અપમાનકારક શબ્દો ઉચ્ચારે તેમની હકાલપટ્ટી કરવી જોઈએ. રાજકારણમાં આવી બાબતો બિલકુલ નહીં બને તેનું ધ્યાન રાખવું જોઈએ. રાજકારણનો સ્તર ઉપર લાવવાનો છે. આથી મહિલાઓનું અપમાન કરવાનું બંધ કરો, એમ તેમણે જણાવ્યું હતું.રાજ્યપાલે અમને કહ્યું કે મારી પણ અમુક મર્યાદા છે. આ બાબત બહુ દુખદ છે. ખોટું કામ કરે તેમને બહાર કાઢવા જ જોઈએ. આવા લોકોને કારણે મહિલાઓ સાથે રાજકારણનું નામ પણ બદનામ થાય છે, એમ રાજ્યપાલે જણાવ્યું હોવાનું જયા બચ્ચને જણાવ્યું હતું.
મહિલાઓનું રોજ અપમાન
જયા બચ્ચને એમ પણ જણાવ્યું કે મહિલાઓનું રોજ અપમાન થાય છે. દરેક બીજા દિવસે દુષ્કર્મની ઘટના બહાર આવે છે. સરકાર કોઈ પણ નિવેદન કરતી નથી. ગઈકાલે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મની ઘટના બહાર આવી હતી. દરેક રાજ્યની સરકારે આવી ઘટનાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. મહિલાઓ વિરુદ્ધ શબ્દ અથવા કૃતિથી અત્યાચાર નહીં થવા જોઈએ. હવે મહિલાઓ બહુ શક્તિશાળી બની છે. તેમના શબ્દોમાં હવે તાકાત છે.
સંવિધાનિક સુરક્ષા આપો
ફૌજિયા ખાન જણાવ્યું કે સરકારમાં બેઠેલા લોકો જ મહિલાઓ વિશે અપમાનકારક શબ્દ ઉચ્ચારે છે. મહિલા લોકપ્રતિનિધિ વિરુદ્ધ બોલવામાં આવે છે, પત્રકારોને ટીકલી લગાવવા માટે કહેવામાં આવે છે, ભાજપના કાર્યકરો અમારા કાર્યકરને લાફો મારે છે. મહારાષ્ટ્ર ક્યાં જઈ રહ્યો છે? મહિલાઓને સંવિધાનિક સુરક્ષા મળવી જોઈએ. રાજ્યપાલને અબ્દુલ સત્તાર, ચંદ્રકાંત પાટીલે સુપ્રિયા સુળે વિરુદ્ધ કરેલું વક્તવ્ય, ગુલાબરાવ પાટીલે સુષમા અંધેરી વિરુદ્ધ કરેલું વક્તવ્ય, સંભાજી ભિડેએ મહિલા પત્રકારને ટીકલી લગાવવાની આપેલી સલાહ વગેરે બાબતે ફરિયાદ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.