કાર્યવાહી:પતરા ચાલ ગોટાળામાં રાઉતના બે નિકટવર્તીનાં ત્યાં પણ દરોડા

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસમાં મજબૂત પુરાવા ભેગા કરવાનો પડકાર

રૂ. 1000 કરોડથી વધુના પતરા ચાલ રિડેવલપમેન્ટ કૌભાંડ પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કર્યા પછી મંગળવારે રાઉતના બે નિકટવર્તીઓનાં ઠેકાણાંઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં અમુક સંપત્તિઓને ટાંચ મારવામાં આવી હોવાનું જાવા મળે છે.

જોકે આ દરોડા કોની પર અને ક્યાં પાડવામાં આવ્યા છે તે વિશે ઈડી દ્વારા વાત ગોપનીય રાખવામાં આવી હતી. બીજી બીજુ રાઉતને સેશન્સ કોર્ટે 4 ઓગસ્ટ સુધી જ કસ્ટડી આપી છે. આથી ચાર દિવસ પછી ફરી રિમાંડ વધારીને મળે તે માટે ઈડીએ કમર કસી છે. ઈડી દ્વારા મજબૂત પુરાવા શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે ગોરેગાવ પશ્ચિમમાં સિદ્ધાર્થનગરમાં 47 એકર પર પતરા ચાલના રિડેવલપમેન્ટ માટે મ્હાડાએ 2006માં રાકેશ અને સારંગ વાધવાને રાઉતના નિકટવર્તી પ્રવીણ રાઉતની રિયલ એસ્ટેટ કંપની ગુરુ આશિષ સાથે કરાર કર્યા હતા. 20 માર્ચ, 2007ના રોજ પ્રવીણ રાઉત કંપનીનો ત્રીજો ડાયરેક્ટર બન્યો હતો. 2008 સુધી ઘર નહીં આપવાથી ભાડૂતોએ મ્હાડા પાસે ફરિયાદ કરી હતી.

આ જગ્યામાં 3000 ફ્લેટ બાંધવાના હતા. તેમાંથી 672 ફલેટ આ જગ્યામાં અગાઉથી રહેનારા રહેવાસીઓને આપવાના હતા. બાકી રકમ મ્હાડા અને તે કંપનીને આપવાની, પરંતુ 2011માં આ મોટી જગ્યાનો અમુક ભાગ અન્ય બિલ્ડરોને વેચી મારવામાં આવ્યો. 2016માં તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસનો આદેશ આપ્યો હતો.

2016માં કંપની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુરુઆશિષ કંપનીએ રૂ. 1034 કરોડનો એફએસઆઈ અન્ય બિલ્ડરોને અનધિકૃત રીતે વેચી માર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ સંબંધે પ્રવીણ રાઉતની ધરપકડ કરાઈ હતી. પ્રવીણ રાઉતની તપાસમાં તેમણે સંજય રાઉતની પત્ની વર્ષાને નામ રૂ. 55 લાખ આપ્યા હતા એવું બહાર આવ્યું હતું. ઈડીએ રાઉતની રૂ. 11 કરોડની મિલકતો હમણાં સુધી જપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...