ગોરેગાવ પશ્ચિમ સિદ્ધાર્થ નગર સ્થિત પતરા ચાલ રિડેવલપમેન્ટ ગોટાળામાં શિવસેનાના સાંસદ સંજય રાઉત ફરતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ભીંસ વધી રહી છે. હાલ ઈડીની કસ્ટડીમાં રહેલા રાઉત પર મની લોન્ડરિંગનો આરોપ છે. દરમિયાન રૂ. 1000 કરોડથી વધુના આ ગોટાળાની તપાસ કરનારી ઈડીએ નવો ખુલાસો કર્યો છે. મંગળવારે ઈડી દ્વારા બે ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સંજય રાઉત તેમના નિકટવર્તી અને ડેવલપર પ્રવીણ રાઉત પાસેથી રૂ. 3 કરોડ રોકડા લીધા હોવાનું બહાર આવ્યું છે.
સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ જ પૈસામાંથી સંજય રાઉતે અલીબાગ વિસ્તારમાં નવ પ્લોટ ખરીદી કર્યા હતા. રાઉતે આ જગ્યા ખરીદી માટે રોકડ રકમ ચૂકવી છે એવું ઈડીનું કહેવું છે. કલાકો સુધી પૂછપરછ બાદ રવિવારે રાત્રે 12.00 વાગ્યે ઈડીએ રાઉતની ધરપકડ કરી હતી. તેમની ઈડી કસ્ટડી ગુરુવારે પૂરી થવાની છે.
આ પ્રકરણમાં હવે નવા નવા ખુલાસા બહાર આવી રહ્યા છે.શિવસેનાના રાજ્યસભાના સાંસદ રાઉત સાથે સંબંધિત બે ઠેકાણા પર મંગળવારે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એવું બહાર આવ્યું કે રાઉતે રૂ. 3 કરોડ રોકડા આપીને 9 પ્લોટ ખરીદી કર્યા હતા. તે પરથી ઈડી હવે એચડીઆઈએલ અને પ્રવીણ રાઉત પાસેથી મળેલી રોકડ રકમની તપાસ કરી રહી છે.
દરમિયાન મંગળવારે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા તેમાં એચડીઆઈએલ સાથે સંબંધિત અને રોકડનો વ્યવહાર સંભાળનારા માજી અકાઉન્ટન્ટનો પણ સમાવેશ થતો હતો, જેનો જવાબ ઈડીએ નોંધ્યો છે. પ્રવીણ રાઉત પાસેથી સંજય રાઉતને મળેલી રોકડ રકમની ઈડી તપાસ કરી રહી છે. પ્રવીણ એચડીઆઈએલની ઉપ કંપની ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટરમાંથી એક હતો.
60-70 ટકા રોકડ વ્યવહાર
રાઉતે દાદરમાં એક ફ્લેટ ખરીદી કર્યો હતો, રાયગડના કિહિમમાં એક પ્લોટ અને અલીબાગમાં નવ પ્લોટ ખરીદી કર્યા હતા. આમાં મોટે પાયે રોકડનો વ્યવહાર થયો હોવાની ઈડીને શંકા છે. ખાસ કરીને આમાં 60-70 ટકા રોકડ વ્યવહાર થયો હોવાનું ઈડીના વકીલ હિતેન વેણેગાવકરે કોર્ટમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.