કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેએ મુંબઈમાં જુહુ સ્થિત અધીશ બંગલાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરી હતી. રાણે કુટુંબ પોતે જ આ કામ કરી રહ્યું છે. કોર્ટે અનધિકૃત બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યા પછી રાણે કુટુંબે પોતે જ ગેરકાયદે બાંધકામ હટાવવાનું શરૂ કર્યું હતું.
કોર્ટે રાણેને અધીશ બંગલાનું ગેરકાયદે બાંધકામ પોતે હટાવવું અથવા મુંબઈ મહાપાલિકા તોડી પાડવાનું કામ કરશે તો એના રૂપિયા વસૂલ કરવામાં આવશે એવો ઈશારો નોટિસમાં આપ્યો હતો. નારાયણ રાણેએ જુહુ ખાતે બાંધેલા આઠ માળાના અધીશ બંગલામાં મોટા પ્રમાણમાં આંતરિક ફેરફાર કર્યાની, અતિરિક્ત બાંધકામ કર્યાની, તેમ જ સીઆરઝેડ નિયમનું ઉલ્લંઘન કર્યાની બાબત માહિતી અધિકાર કાર્યકર્તા સંતોષ દૌંડકરે થોડા વર્ષ પહેલાં મુંબઈ મહાપાલિકાને જણાવી હતી. આ ફરિયાદની નોંધ લેતા મહાપાલિકાના અધિકારીઓએ 21 ફેબ્રુઆરીના અધીશ બંગલાની તપાસ કરી હતી.
ત્યારે એમાં આંતરિક ફેરફાર કરવામાં આવ્યાનું જણાયું હતું. એ પછી ઈમારતનો પ્લાન અને હકીકતમાં થયેલું બાંધકામ ચકાસવામાં આવ્યું અને બાંધકામ અનધિકૃત હોવાનું સાબિત થયું હતું. મુંબઈ મહાપાલિકાએ અધીશ બંગલામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યાનું ધ્યાનમાં લાવ્યા પછી નારાયણ રાણેએ હાઈ કોર્ટમાં દાદ માગી હતી. જો કે હાઈ કોર્ટે તેમને રાહત આપવાનો નકાર આપ્યો હતો. દરમિયાનના સમયમાં સતાંતર થયું. રાણેએ અધીશ બંગલાના ગેરકાયદે બાંધકામને અધિકૃત કરવા અરજી કરી અને ફરીથી હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા.
જો કે આ સમયે મુંબઈ મહાપાલિકાએ મૌન રાખ્યું. આ બાબતે હાઈ કોર્ટે મહાપાલિકાની ટીકા કરી હતી. હાઈ કોર્ટે આ બાંધકામ અનધિકૃત ગણાવીને એના પર બે અઠવાડિયામાં કાર્યવાહી કરવાનો આદેશ મહાપાલિકાને આપ્યો હતો. ઉપરાંત મહાપાલિકાને અનધિકૃત બાંધકામને અધિકૃત કરવા રાણે દ્વારા બીજી વખત કરેલી અરજી ખોટી ગણાવી અને 10 લાખ રૂપિયા દંડ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.