રાજ્યના ગડકિલ્લા, મંદિરો અને મહત્વના સંરક્ષિત સ્મારકો સંદર્ભે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ગડકિલ્લા, મંદિર અને મહત્વના સંરક્ષિત સ્મારકોના સંવર્ધન માટે જિલ્લા વાર્ષિક યોજના અંતર્ગત આર્થિક વર્ષ 2023-24થી આગામી ત્રણ વર્ષ માટે 3 ટકા ભંડોળની જોગવાઈ કરવા સરકારી માન્યતા આપવામાં આવી છે.
સાંસ્કૃતિક કાર્ય મંત્રી સુધીર મુનગંટીવારના પ્રયત્નથી નિયોજન વિભાગે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રની પુરાતન સાંસ્કૃતિક પરંપરા અને વારસાનું જતન કરવા સંદર્ભે લીધેલા આ નિર્ણય અંતર્ગત ત્રણ વર્ષમાં એક હજાર કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં અજંટા-ઈલોરાની ગુફાઓ, છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં બાંધવામાં આવેલા રાયગડ અને સિંધુદુર્ગ જેવા કિલ્લાઓ, યાદવ અને મરાઠા કાળમાં તૈયાર કરવામાં આવેલી સુંદર શિલ્પોથી ભરપુર ગડચિરોલી જિલ્લાના શ્રીમાર્કન્ડેય અને શ્રી ત્રંબકેશ્વર જેવા મંદિર, ચંદ્રપુર ખાતેનો કિલ્લો, બલ્લારપુર ખાતેનો કિલ્લો, રાજુરા ખાતેનું શ્રી સિદ્ધેશ્વર મંદિર, ભદ્રાવતી ખાતેની વિજાસન ગુફા, મધ્યકાલીન દરગાહ અને મકબરાનો સમાવેશ છે. ઐતિહાસિક અને પુરાતન સ્મારકોમાંથી કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ મારફત 288 સ્મારકોનું રાષ્ટ્રીય મહત્વના સ્મારકો તરીકે જતન કરવામાં આવે છે.
તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક કાર્ય વિભાગે પુરાતત્વ અને મ્યુઝિયમ સંચાલનાલય મારફત 387 સ્મારક સંરક્ષિત ઘોષિત કરવામાં આવ્યા છે. એમાં ઘટોત્કચ અને ધારાશીવ ગુફાઓ, રાજગડ, સિંહગડ, માણિકગડ જેવા કિલ્લા તેમ જ ગડ જેજુરી, નિરાનૃસિંહપુર, શ્રી તુળજાભવાની જેવા મંદિર, લોકમાન્ય તિલક, સ્વાતંત્ર્ય સાવરકર જેવા મહાપુરુષોના જન્મસ્થળ અને ગેટ વે ઓફ ઈંડિયા જેવા સ્મારકનો સમાવેશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.