મહારાષ્ટ્રના સાંગલીના ઈસ્લામપુર પોલીસે નકલી નોટો છાપનારી અને તે બજારમાં ફેરવનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપીના ઘરે દરોડો પાડીને 7 લાખ 66 હજારની નકલી નોટો અને પ્રિન્ટિંગ મટીરિયલ કબજે કર્યાં છે. આ સાથે ઘરમાં બનાવેલા નકલી નોટો છાપવાના છાપખાનાનો પર્દાફાશ કર્યો છે.
ઈસ્લામપુરમાં આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાં ડિપોઝિટ મશીનમાં ટોળકી દ્વારા ત્રણ હજારની નકલી નોટો જમા કરાવવામાં આવી રહી હતી. આ પછી સાંગલીમાં પોલીસે મુખ્ય આરોપીના ઘરે દરોડો પાડ્યો અને 7 લાખ 66 હજાર રૂપિયાની નકલી નોટો અને પ્રિન્ટિંગ સામગ્રી જપ્ત કરી હતી. ઇસ્લામપુર પોલીસે આ કેસમાં ચાર જણની ધરપકડ કરી છે.
બેંકના અધિકારી સંગ્રામ સદાશિવ સૂર્યવંશીએ 500 રૂપિયાની છ નોટ નકલી હોવાની જાણ હોવા છતાં આંખ આંડા કામ કર્યા હતા. આ વાત ધ્યાનમાં આવતાં બેંકના અધિકારીએ 19 મેના રોજ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે સંગ્રામ સૂર્યવંશીની કરેલી ઊલટતપાસમાં પિન્ટુ નિવૃત્તિ પાટીલ, સુરેશ નાનાસાહેબ પાટીલ, મુખ્ય સૂત્રધાર શ્રીધર બાપુ ગાડગે અને રમેશ ઈશ્વર ચવ્હાણના નામ બહાર આવ્યાં હતાં.
પોલીસ સાંગલીમાં શ્રીધર ગાડગેના ભાડાના મકાન પર નજર રાખી રહી હતી. પોલીસે તેને તેની કારમાંથી ઉતાવળમાં નીકળતો જોયો હતો. તેની કારની તલાશી લેતાં રૂ.500, રૂ. 200, રૂ. 100, રૂ. 50 અને રૂ. 20ની લાખોની નકલી નોટોના બંડલ મળી આવ્યા હતા. તેના ઘરમાં તપાસ કરતાં નકલી નોટ છાપવાની સામગ્રી મળી આવી હતી. નકલી નોટો છાપવા માટે વપરાતા પ્રિન્ટરમાંથી રૂ.72,000ની નકલી નોટો મળી આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.