તૈયારી:મહાપાલિકા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હેલ્થકાર્ડ બનાવવાની તૈયારી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમિત તપાસ, ઔષધોપચાર અને હેલ્થ ટીપ્સ આપવામાં આવશે

મુંબઈ મહાપાલિકાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની તંદુરસ્તી માટે હવે હેલ્થકાર્ડ તૈયાર કરવામાં આવશે. એમાં વિદ્યાર્થીઓની નિયમિત તપાસ, દવા અને સારી તબિયત માટે વિદ્યાર્થીઓને નિષ્ણાતો તરફથી સમયાંતરે ટીપ્સ આપવામાં આવશે. આગામી શૈક્ષણિક વર્ષથી અમલમાં મૂકનારા આ ઉપક્રમના લીધે વિદ્યાર્થીઓના આરોગ્ય બાબતની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે એમ શિક્ષણ સહઆયુક્ત અજિત કુંભારે જણાવ્યું હતું. હેલ્થકાર્ડ ઉપક્રમમાં વિદ્યાર્થીઓને થોડા થોડા સમય બાદ તપાસ કરવામાં આવશે. વિશેષ બીમારીવાળા વિદ્યાર્થીઓની સારવાર કરવામાં આવશે.

જરૂર અનુસાર ટેસ્ટ, આંખની તપાસ, દાંતની તપાસ જેવા ઉપક્રમ પણ અમલમાં મૂકવામાં આવશે. મહાપાલિકા હોસ્પિટલમાં ઉપલબ્ધ દવાઓ વિદ્યાર્થીઓને મફત આપવામાં આવશે. બધા વિદ્યાર્થીઓની માહિતી ભેગી કરવા માટે સોફ્ટવેર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. આ ઉપક્રમ માટે જરૂરિયાત અનુસાર સામાજિક સંસ્થાઓની મદદ લેવામાં આવશે. મહાપાલિકા તરફથી વિદ્યાર્થીઓને મફત, દરજ્જાવાળું અને અદ્યતન શિક્ષણ સાથે 27 શૈક્ષણિક વસ્તુઓ મફત આપવામાં આવે છે. ઉપરાંત વર્ચ્યુઅલ શિક્ષણ ટેબ, મફત બેસ્ટ પ્રવાસ જેવી સુવિધા આપવામાં આવે છે.

વૈશ્વિક સ્પર્ધામાં મહાપાલિકાની સ્કૂલના વિદ્યાર્થીઓ ટકી રહે એ માટે કેમ્બ્રિજ બોર્ડ, આઈસીએસઈ, સીબીએસઈ જેવા બોર્ડની સ્કૂલ પણ મહાપાલિકાએ શરૂ કરી છે. હાલની સ્થિતિમાં મહાપાલિકા 8 ભાષાના માધ્યમની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. મહાપાલિકા તરફથી મળતું શિક્ષણ અને સુવિધાના લીધે બે વર્ષમાં મહાપાલિકા સ્કૂલમાં લગભગ 30 હજાર વિદ્યાર્થીઓનો ઉમેરો થયો છે. મહાપાલિકા સ્કૂલમાં દોઢ વર્ષ પહેલાં 2 લાખ 63 હજાર 360 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા હતી જે હવે 2 લાખ 98 હજાર પર પહોંચી છે. બે વર્ષમાં દસમા ધોરણનું પરિણામ 54 ટકાથી વધીને 91 ટકા પર પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...