આમૂલ પરિવર્તન:પવઈની નીટીને ટૂંક સમયમાં IIMનો દરજ્જો પ્રાપ્ત થશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસદના ચોમાસુ સત્રમાં જ બિલ રજૂ કરવામાં આવી શકે

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (નીટી)ને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) 2017 ધારા હેઠળ લાવવા માટે સંસદના હાલમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ બિલને મંજૂરી મળ્યા પછી પવઈની આ નામાંકિત સંસ્થા મુંબઈની પ્રથમ આઈઆઈએમ હશે.

આઈઆઈએમ (સુધારણા) બિલ 2020માં નીટી મુંબઈનો આઈઆઈએમ ધારા 2017માં સમાવેશ કરવા અને તેનું નામકરણ આઈઆઈએમ- મુંબઈ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. ચોમાસા સત્રમાં વિચારણા હેઠળનાં અનેક બિલોની યાદીમાં આ બિલનો પણ સમાવેશ થાય છે.

શિક્ષણ મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવેલી સમિતિએ આ યોજનાની આર્થિક વ્યવહારુતાનો અહેવાલ સુપરત કર્યો હતો, જે પછી આ પગલાં લેવામાં આવી રહ્યાં છે. સમિતિએ અગાઉ આ વર્ષે સંસ્થાની મુલાકાત લીધી હતી. સંસ્થા મુંબઈને આઈઆઈએમ મળે તેવી શક્યતાનાં દ્વાર ખોલી નાખ્યાં છે. જોકે આ સંબંધમાં સંસ્થાને કોઈ પણ સ્પષ્ટ માહિતી અથવા વિધિસર સંદેશ પ્રાપ્ત થયો નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સમિતિએ ફેબ્રુઆરી 2022માં પવઈ ખાતે સંસ્થાના કેમ્પસની મુલાકાત લીધી હતી. તે પછી તેણે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. આથી અમને આશા છે કે હવે આ કાર્યવાહી ગતિ પકડશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. સંસ્થા હાલમાં પ્રતિષ્ઠિત આઈઆઈએમ દરજ્જો પ્રાપ્ત થવાની આશા સાથે અભ્યાસક્રમ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે.

તાજેતરમાં જ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ) 2022માં તેના રેન્કિંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. નવમા ક્રમ સાથે તે ભારતમાં ટોચની 10 મેનેજમેન્ટ સંસ્થામાં સ્થાન પામી છે, જે બે વર્ષ પૂર્વે તેના બારમા સ્થાન પરથી નોંધપાત્ર છલાંગ છે.

અન્ય સમાચારો પણ છે...