આદેશ:ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારના ફોટો નહીં પાડવા પોલીસને તાકીદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈ-ચલાન જ જારી કરવા આદેશઃ પાલન ન કરે તો પગલાં લેવાશે

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારનો ફોટો અંગત મોબાઈલ ફોન પરથી નહીં પાડવા માટે ટ્રાફિક પોલીસને રાજ્યના ટ્રાફિક વિભાગના એડિશનલ ડીજીપી કુલવંત કુમાર સારંગલે તાકીદ આપી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ઈ-ચલાન જ જારી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો આ આદેશનું કોઈ ઉલ્લંઘન કરશે તો પગલાં લેવામાં આવશે એવી તાકીદ પણ તેમણે આપી છે.

રાજ્યના સંબંધિત પોલીસ કમિશનરો અને એસપીઓને સારંગલ સૂચના આપી છે કે હવે પછી દરેક ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારની તસવીરો પાડવા માટે અને ચલાન જારી કરવા માટે વિધિસર રીતે આપવામાં આવેલાં ઈ-ચલાન ડિવાઈસીસનો જ ઉપયોગ કરે તેની ખાતરી રાખવી જોઈએ. જો કોઈ ટ્રાફિક પોલીસ પોતાના અંગત મોબાઈલ ફોન પરથી તસવીરો પાડતો મળી આવશે તો તેની સામે પગલાં લેવા જણાવ્યું છે. ગુરુવારે આ અંગેની સૂચના સારંગલ દ્વારા જારી કરવામાં આવી છે.

સર્વ નોડલ ઓફિસર અને યુનિટ કમાન્ડરોને 2 સપ્ટેમ્બરના રોજ જારી પત્રમાં સારંગલે જણાવ્યું છે કે વાહન ચાલકો જો નિયમભંગ કરે તો તેમની સામે પગલાં લેતી વખતે પોતાનો અંગત મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવો. તેને બદલે તેમને અપાયેલા ઈ-ચલાન મશીનનો જ ઉપયોગ કરવો.

સારંગલે કારણ જણાવ્યું છે કે મારી પાસે ચોક્કસ ફરિયાદો આવી છે કે નિયમભંગ કરનારા વાહનચાલકોનો અમુક પોલીસ યુનિટ્સ કે પોલીસ અધિકારીઓ પોતાના ખાનગી મોબાઈલ ફોન પરથી ફોલો લે છે અને તે ફક્ત નંબર પ્લેટના ફોટો સાથે ઈ-ચલાન મશીન પર અપલોડ કરે છે. જોકે વાહનનો સંપૂર્ણ ફોટો અપલોડ કરવામાં આવતો નથી. આને કારણે વાહનની ઓળખ થતી નથી. આને કારણે મતભેદ સર્જાય છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમુક ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તેમના મોબાઈલ ફોન પર નિયમભંદ કરનારની તસવીર લે છે, જે પછી લાંચ લેવા માટે આવી તસવીરોનો ઉપયોગ કરે છે. જો તેમને લાંચ નહીં મળે તો તે પછી ઈ-ચલાન મશીનનો ઉપયોગ કરે છે. જોકે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે અમુક વાર ઈ-ચલાન મશીનમાં બેટરી ખતમ થઈ જાય છે, જેથી પછી અંગત મોબાઈલ ફોન પરથી ફોટો લેવાની ફરજ પડે છે.

આ વિશે સારંગલે જણાવ્યું કે ટ્રાફિક પોલીસને ઈ-ચલાન મશીન અંગે કોઈ પણ ફરિયાદ હોય તો તુરંત નોડલ ઓફિસરનો અથવા હેન્ડહેલ્ડ મશીનના સેવા પ્રદાતાનો સંપર્ક કરવો જોઈએ. થાણે ઘોડબંદર પર પોલીસની લૂંટ : દરમિયાન થાણેમાં ઘોડબંદર રોડ સહિત ઠેકઠેકાણે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનો નિયમભંગ કરનાર પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે એવી ફરિયાદ મોટી સંખ્યામાં થઈ રહી છે.

આરટીઆઈ કાર્યકર્તાની ફરિયાદ
નોંધનીય છે કે આરટીઆઈ કાર્યકર્તા દીપક શંકર પાટીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમભંગ કરનાર વાહનની ફક્ત નેમપ્લેટનો ફોટો અપલોડ કરવામાં આવે છે અને વાહનનો ફોટો અપલોડ કરાતો નથી, જે બરોબર નથી. આ ફરિયાદને સારંગલે ગંભીરતાથી લઈને હવે પછી પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર ટ્રાફિક પોલીસ સામે કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે.

નવો આદેશ મુંબઈ- થાણેમાં પણ
સારંગલ દ્વારા જારી કરવામાં આવેલો આ આદેશ મુંબઈ પોલીસ, થાણે સિટી પોલીસ, નવી મુંબઈ પોલીસ, મીરા ભાયંદક પોલીસ, વસઈ- વિરાર પોલીસ, પુણે સિટી પોલીસ, નાગપુર સિટી પોલીસ, પિંપરી- ચિંચવડ પોલીસ, નાશિક સિટી પોલીસ, ઔરંગાબાદ પોલીસ, સોલાપુર સિટી પોલીસ અને અમરાવતી પોલીસની ન્યાયસીમામાં લાગુ થશે.

અન્ય સમાચારો પણ છે...