તપાસ:શ્રદ્ધા વાલકરની ફરિયાદ પર પોલીસે તુરંત ઠોસ પગલાં લેવાં જોઈતાં હતાં

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુક પૂર્વ પોલીસ અધિકારીઓના મતે શ્રદ્ધા જ વધુ દોષી છે

શ્રદ્ધા વિકાસ વાલકર (27) દ્વારા તેનો લિવ-ઈન પાર્ટનર આફ્તાબ અમીન પૂનાવાલા (28) તેની હત્યા કરશે એવી 2020માં નોંધાવેલી ફરિયાદ પછી સ્થાનિક પોલીસે તુરંત પગલાં લેવાં જોઈતાં હતાં, એવો મત રાજ્યના માજી પોલીસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.શ્રદ્ધાની ફરિયાદ પછી સ્થાનિક પોલીસે તેનું નિવેદન નોંધવું જોઈતું હતું, ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવી જોઈતી હતી. જોકે અમુક અધિકારીએ શ્રદ્ધાએ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લીધી તેને દોષ આપ્યો હતો.શ્રદ્ધાએ વસઈના તુલીંજ પોલીસ સ્ટેશનમાં નવેમ્બર 2020માં ફરિયાદ પત્ર સુપત કર્યો હતો.

જોકે પોલીસે તે પછી શ્રદ્ધાનો સંપર્ક કરતાં તેણે આફ્તાબ સાથે સમજૂતી થઈ ગઈ છે એવું કહીને ફરિયાદનો પત્ર પાછો ખેંચી લીધો હતો. રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અંગે તપાસ કરાશે એમ જણાવ્યું છે.માજી એડિશનલ ડીજી પ્રેમ ક્રિશન જૈને જણાવ્યું કે શ્રદ્ધાએ પત્ર આપ્યા પછી તેનું નિવેદન નોંધવું જોઈતું હતું અને એફઆઈઆર દાખલ કરવી જોઈતી હતી અને કાયદા અનુસાર તપાસ કરવી જોઈતી હતી. પોલીસની તે ફરજ છે. શ્રદ્ધાએ 20 દિવસ પછી ફરિયાદ પાછી ખેંચી લીધી, જે દર્શાવે છે કે તે દબાણમાં હતી.

આથી આરંભમાં ફરિયાદ પર પોલીસે પગલાં કેમ નહીં લીધાં તેની તપાસ થવી જોઈએ.માજી ડીજીપી ડી શિવાનંદને જણાવ્યું કે પોલીસે મહિલાઓની સુરક્ષાને અગ્રતા આપવી જોઈએ. મહિલા દ્વારા નોંધાતી ફરિયાદોને ગંભીરતાથી લેવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ. શ્રદ્ધાની ફરિયાદ પછી પોલીસે આફ્તાબને બોલાવીને તેની સામે પગલાં લેવાં જોઈતાં હતાં. જોકે શ્રદ્ધાએ પછીથી ફરિયાદ પાછી ખેંચી લીધી હોય તો તેમાં પોલીસની ભૂલ નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું. જો ફરિયાદ દ્રઢ નહીં હોય અને યુગલ વચ્ચે સંબંધ હોય તો પોલીસ કશું નહીં કરી શકે.

ફરિયાદ પાછી ખેંચી લીધા પછી પગલાં લેવાની કોઈ જોગવાઈ નથી.રાજ્યના માજી ડીજીપી પ્રવીણ દીક્ષિતે જણાવ્યું કે જો મહિલા ફરિયાદ લઈને આવે તો તેની ગંભીર દખલ લેવી જોઈએ અને કેસમાં પૂછપરછ કરવા પોલીસ કર્મચારીને મોકલવો જોઈએ. આવા કિસ્સામાં પોલીસે ફરિયાદી સાથે જઈને પગલાં લેવાં જોઈએ, તુરંત તપાસ શરૂ કરીને પગલાં લેવાં જોઈએ.

ન્યાયાલયે પણ અદખલપાત્ર ગુનાની પોલીસ દ્વારા કરાતી તપાસ સામે વાંધો નહીં ઉઠાવવો જોઈએ, કારણ કે તે ઘરેલુ હિંસા સંબંધી હોય છે. સરકારે નિર્દેશ જારી કરવા જોઈએ કે ઘરેલુ હિંસાની ફરિયાદ થતાં જ એક કલાકમાં પોલીસ કર્મચારીને પૂછપરછ કરવા માટે મોકલવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

ભાયંદરની ખાડીમાં મોબાઈલ શોધ : દરમિયાન શ્રદ્ધા વાલકર હત્યાકાંડની તપાસ કરવા મુંબઈ આવેલી દિલ્હીની પોલીસ ટીમે ગુરુવારે ભાયંદર ખાડીમાં મોબાઈલ ફોનની તલાશ કરી હતી. મીરા- ભાયંદર- વસઈ- વિરાર પોલીસના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી આ ચાર અધિકારીની ટીમ વસઈમાં ધામા નાખીને છે. તેમણે શ્રદ્ધા અને આફ્તાબના મિત્રો, સંબંધીઓ અને તેઓ ભાડે રહેતા હતા ત્યાંના માલિકો વગેરે સહિત બે ડઝનથી વધુ લોકોનાં નિવેદન નોંધ્યાં છે. આફ્તાબના પરિવારનો જોકે હજુ કોઈ પત્તો મળ્યો નથી.

શ્રદ્ધાને પોલીસે બે-ત્રણ વાર બોલાવી
શ્રદ્ધાના કિસ્સામાં પીએસઆઈએ બે-ત્રણ વાર તેને બોલાવી હતી. તે હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે હોસ્પિટલ પ્રશાસને પણ પોલીસને માહિતી આપી નહોતી. પોલીસ ત્રણ સપ્તાહ પછી પૂછપરછ કરવા ગઈ, જ્યારે આફ્તાબનાં માતા- પિતાએ કહ્યું કે તેમનો પુત્ર શ્રદ્ધા સાથે પરણી જશે, જેને લઈ શ્રદ્ધાએ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. મહિલાઓએ ઘરેલું હિંસાને સહન નહીં કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...