મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે જો તે રાજ્યના ગૃહ વિભાગની ભરતી પ્રક્રિયામાં તૃતીયપંથીઓ માટે અલગ વિકલ્પ પ્રદાન ન કરે તો રાજ્યભરમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયાને સ્થગિત કરી દેશે. સુપ્રીમ કોર્ટે સાત વર્ષ પૂર્વે આપેલા આદેશમાં અવલોકન કર્યું હતું કે, સરકાર તૃતીયપંથીઓની ભરતી માટે કાયદાકીય જોગવાઈ કરીને ઊંઘી રહી છે.
એટલું જ નહીં, કોર્ટે શુક્રવારે સરકારને મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (મેટે)માં અપીલ કરવા માગતાં બે તૃતીયપંથીઓ માટે બે પોસ્ટ ખાલી રાખવા અને પછી ભવિષ્યમાં ભરતી પર કામ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
રાજ્ય સરકારે ગૃહ વિભાગની તમામ ભરતી પ્રક્રિયાઓમાં તૃતીયપંથીઓ માટે વિકલ્પ રાખવાના મહારાષ્ટ્ર મેટના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો છે. સરકારે અપીલ દાખલ કરીને દાવો કર્યો છે કે મેટના આદેશનો અમલ અશક્ય છે, કારણ કે કેન્દ્ર- રાજ્યની આ અંગે કોઈ નીતિ નથી.
કોર્ટે બુધવારે સરકારને એવા શબ્દોમાં પણ સંભળાવ્યું કે સરકાર પાસે કોઈ નીતિ નથી, તેથી તે તૃતીયપંથીઓને રોજગારીની તકો નકારી શકે નહીં. કોર્ટે વચગાળાની રાહત આપવાનો પણ ઇનકાર કર્યો હતો.રાજ્યના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ગુરુવારે ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની બેંચ સમક્ષ ફરી એક વાર કેસ રજૂ કર્યો હતો.
તેમણે પોલિસી મેકિંગ ટ્રિબ્યુનલના નિર્ણય પર વચગાળાનો સ્ટે માગ્યો હતો. પરંતુ આ વખતે પણ કોર્ટે સરકારની ભૂમિકાની નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં તૃતીયપંથીઓને તક આપવા અંગે કાયદાકીય જોગવાઈ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સરકાર સાત વર્ષથી ગાઢ નિદ્રામાં છે.
સરકાર પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવતી ન હોવાથી નાગરિકોને પોતાની ફરિયાદ લઈને કોર્ટમાં આવવું પડે છે. ઉપરાંત કોર્ટે સંભળાવ્યું કે આવા કેસોમાં આદેશ પસાર કર્યા પછી, કોર્ટનો અનાદર થઈ રહ્યો છે. એ પણ ટિપ્પણી કરી કે અમારા મતે ટ્રિબ્યુનલે સાચો નિર્ણય આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.