તપાસ:ઠાકરેની બેહિસાબી સંપત્તિની પોલીસ દ્વારા તપાસ શરૂ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે અચાનક હાઈ કોર્ટમાં માહિતી આપી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે. ગુરુવારે મહારાષ્ટ્ર સરકારે અચાનક મુંબઈ હાઈ કોર્ટને જાણ કરી કે, મુંબઈ પોલીસ દ્વારા ઠાકરે પરિવારની બેહિસાબી સંપત્તિની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. જસ્ટિસ ધીરજસિંહ ઠાકુર અને જસ્ટિસ વાલ્મિકી મેનેઝીસની બેન્ચે ગૌરી ભીડેની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. હવે સુનાવણી બાદ આ બેન્ચ નિર્ણય લેશે કે આ અરજીને સુનાવણી માટે લેવી કે નહીં.ગૌરી ભિડેએ થોડા મહિના પહેલાં આ અંગે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો.

તેની નોંધ લેતાં હાઈ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ સંબંધમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. ગૌરી ભીડેની અરજી પર રાજ્ય સરકારે ગુરુવારે સ્પષ્ટતા કરી કે તે પોતે કોર્ટ સમક્ષ આવી છે. ગૌરી ભીડેની અરજીમાં અમારો પક્ષ સાંભળવામાં આવ્યો ન હોવાનું જણાવતાં સરકારી વકીલ અરુણા પાઈએ એ નોંધવાની માગ કરી હતી કે ભીડે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરાઈ છે.

ઠાકરે દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમણે આરોપ લગાવ્યો હતો કે, કોર્ટે ચુકાદો અનામત રાખ્યા પછી આવી માહિતી આપવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે.ઠાકરે હાલ સત્તામાં નથી. તેથી એવું કહી શકાય નહીં કે તેઓ આ મામલે રાજ્યની તપાસ તંત્રને પ્રભાવિત કરશે, એવો દાવો વરિષ્ઠ વકીલ અસ્પી ચિનોયે ઠાકરેનો પક્ષ રજૂ કરતી વખતે કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, અરજદારોએ આ આરોપો તથ્યોને બદલે સુનાવણીના આધારે કર્યા છે. ઉપરાંત અરજદારોએ પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ અથવા અન્ય કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. ચિનોયે કોર્ટનું એ પણ ધ્યાન દોર્યું હતું કે હાઈ કોર્ટ ફક્ત અસાધારણ સંજોગોમાં જ તેની સત્તાનો ઉપયોગ કરી શકે છે અને અરજીને બરતરફ કરવાની માગણી કરી હતી.

હાઇકોર્ટમાં પિટિશન શું છે : અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉદ્ધવ ઠાકરેની સંપત્તિ ભ્રષ્ટાચાર અને દુરુપયોગ દ્વારા એકઠી કરાઈ છે. તેની સામે તેઓએ 11 જુલાઈ 2022ના રોજ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઠાકરેના ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના પુરાવા હોવા છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાનો આક્ષેપ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય નાણાં મંત્રાલય, સીબીઆઈ, મુંબઈ પોલીસ કમિશનર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, રશ્મિ ઠાકરે અને તેજસ ઠાકરેને આમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

ગૌરી ભીડેની દલીલ શું છે? : ગૌરી ભીડેના દાદાનું રાજમુદ્રા પ્રિન્ટિંગ હાઉસ તેની બાજુમાં હતું જ્યાં ઠાકરે પરિવારની માલિકીનું પ્રબોધન પબ્લિશિંગ હાઉસ છે, જે સામના અને માર્મિક પ્રકાશિત કરે છે. માત્ર સામના અને માર્મિક વેચીને આટલી વિશાળ સંપત્તિ ભેગી કરવી, માતોશ્રી-2 જેવી તોતિંગ ઇમારત બનાવવી, વૈભવી કાર, ફાર્મહાઉસ ખરીદવું અશક્ય છે, કારણ કે અમારો પણ એક જ ધંધો, એ જ મહેનત, આવકમાં જમીન- આસમાનનો તફાવત કેવી રીતે? એવો પ્રશ્ન પણ આ અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે.

ના ખાઉંગા ના ખાને દૂંગા
બીજી તરફ, અમે છેલ્લાં સાત- આઠ વર્ષથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર “ના ખાઉંગા ના ખાને દૂંગા” અને “ઔર જો આજ તક ખાયા વો ભી ઉગલવા લુંગા”થી ખરેખર પ્રેરિત છીએ. તેથી એક પ્રામાણિક અને જાગૃત નાગરિક તરીકે અમે કેન્દ્ર સરકારના આભારી છીએ. ગૌરી ભીડેએ હાઈ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આવક સામે કેટલીક છૂપી, બેહિસાબી સંપત્તિને બહાર કાઢવામાં અમુક અંશે મદદ કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...