કાર્યવાહી:અંબરગ્રિસના ઘણા બધા કેસ પકડાતાં વ્હેલનો શિકાર વધ્યાનો પોલીસને ભય

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 મહિના મુંબઈ, નવી મુંબઈ અને રાયગઢથી અનેકની ધરપકડ

છેલ્લા 18 મહિનામાં મુંબઈ અને પાડોશી વિસ્તારોમાંથી અંબરગ્રિસ અથવા વ્હેલની ઊલટી તરીકે ઓળખાતા પદાર્થ મોટી સંખ્યામાં પકડાયા હોઈ ઉચ્ચ માગણી ધરાવતા આ મૂલ્યવાન પદાર્થ માટે સમુદ્રમાં સ્પર્મ વ્હેલ્સ તરીકે ઓળખાતી વ્હેલ્સનો શિકાર વધ્યો હોવાનો ભય પોલીસને છે.તાજેતરમાં કરોડો રૂપિયાનું અંબરગ્રિસ પકડાયું છે અને અનેકની આ કેસોમાં ધરપકડ કરવામાં આવી છે. અંબરગ્રિસ વ્હેલની પિત્તનળીમાંથી મળી આવે છે. લક્ઝરી પરફ્યુમ્સ માટે વપરાતા આ પદાર્થનો આંતરરાષ્ટ્રીય બજારમાં તગડો ભાવ આવતો હોવાથી તેને ફ્લોટિંગ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એક ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીએ જણાવ્યું હતું કે અંબરગ્રિસની જપ્તિના કિસ્સાઓમાં વધારો જોતાં વ્હેલ્સનો શિકાર વધ્યો હોઈ શકે અથવા આ પદાર્થમાં ભેળસેળ કરીને વેચવામાં આવતો હોઈ શકે છે, કારણ કે તેનું મૂલ્ય ઉચ્ચ છે. તાજતેરમાં મરીન ડ્રાઈવ પરથી પોલીસે રૂ. 2.6 કરોડનું અંબરગ્રિસ પકડી પાડ્યું હતું. પોલીસ તપાસ વ્હેલ્સનો શિકાર કરવામાં આવ્યો છે કે કેમ તે જાણવા માટે સમુદ્રકાંઠો કોંકણના રત્નાગિરિ જિલ્લાના દાપોલી સુધી પહોંચી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે ગયા અઠવાડિયે દક્ષિણ મુંબઈની હોટેલમાંથી વૈભવ કાલેકરની અંબરગ્રિસ સાથે ધરપકડ કરી હતી. તેણે દાપોલીથી અંબરગ્રિસ પ્રાપ્ત કર્યું હોવાની શંકા છે, કારણ કે દાપોલીમાં થોડા મહિના પૂર્વે અમુક વ્હેલ્સ મૃતાવસ્થામાં મળી આવી હતી.અમે બધી દિશામાં તપાસ કરી રહ્યા છીએ. સ્પર્મ વ્હેલ ભારતમાં હિંસ્ર જીવન રક્ષણ ધારાના શિડ્યુલ-2 હેઠળ સંરક્ષિત જાતિ છે.

મધસમુદ્રમાં મળી આવતી વ્હેલ ઊલટીના સ્વરૂપમાં દ્રઢ મીણવાળો પદાર્થ પેદા કરે છે. ઘણી વાર માછીમારોને મધદરિયામાં અંબરગ્રિસ વહેતું મળી આવે છે. તેની સુગંધ બહુ સારી હોય છે. એક કિલો અંબરગ્રિસના આશરે રૂ. 1 કરોડ થાય છે. તાજેતરમાં પોલીસે મહારાષ્ટ્ર અને કેરળની દરિયાકાંઠાની રેખા વચ્ચે મધદરિયામાંથી અંબરગ્રિસ જપ્ત કર્યું હતું. કાલેકરે મુંબઈમાં ત્રણ વાર અંબરગ્રિસ વેચવાનો પ્રયાસ કર્યો હતો.

લેબમાં પરીક્ષણ
તાજેતરમાં મુંબઈ પોલીસે નાગપુરમાં રાજ્ય સંચાલિત વાઈલ્ડલાઈફ ફોરેન્સિવ સાયન્સ લેબોરેટરીમાં તપાસ કરાવી હતી. ડીએનએ વિશ્લેષણમાં પદાર્થ શુદ્ધ છે કે ભેળસેળ છે તે જાણવા મળે છે. અગાઉ કમસેકમ ત્રણ વાર હૈદરાબાદની લેબોરેટરીમાં તપાસ માટે પદાર્થ મોકલવામાં આવ્યો હતો. જોકે તેઓ યોગ્ય પરીક્ષણ કરી શક્યા નહીં, એમ પોલીસે જણાવ્યું હતું.

વન અધિકારીઓની મદદ
પોલીસ દ્વારા વન અધિકારીઓની મદદથી અંબરગ્રિસની જપ્તિની કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે આ પદાર્થ જપ્ત કર્યા પછી તેનું પરીક્ષણ કરવું પડે છે. ઘણી બધી નકલી અંબરગ્રિસ પણ હોવાની સંભાવના છે. આ પદાર્થ ઓળખવા માટે વન અધિકારી દ્વારા ત્યાં ને ત્યાં જ મૂળભૂત પરીક્ષણ હાથ ધરવામાં આવે છે, જેમાં પદાર્થ પર ગરમાગરમ સોઈ ભોંકવામાં આવે છે. જો તેમાંથી સફેદ ધૂમ્ર નીકળે અને ગંધ આવે તો તે અંબરગ્રિસ માનવામાં આવે છે. આ પછી તે વિશ્વસનીયતાની તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.

વેપાર કઈ રીતે થાય છે
આ વેપાર દલાલો અને વચેટિયાઓની મદદથી થાય છે, કારણ કે માછીમારોનો ઉદ્યોગમાં સંપર્ક હોતો નથી અને તેમને અપેક્ષિત કિંમત પણ મળતી નથી. જાન્યઆરીમાં રાયગડ પોલીસે ત્રણ જણને રૂ. 5 કરોડના પાંચ કિલો અંબરગ્રિસ સાથે પકડી પાડ્યા હતા. ગત ડિસેમ્બરમાં થાણે પોલીસે ત્રણ જણને રૂ. 1 કરોડના અંબરગ્રિસ સાથે પકડી પાડ્યા હતા. સપ્ટેમ્બર 2021માં મુંબઈ પોલીસે મુલુંડથી 5.910 કિલો કથ્થઈ પથ્થરો અને પાઉડર જપ્થ કર્યા હતા. તપાસમાં તે રૂ. 5.91 કરોડ મૂલ્યનું અંબરગ્રિસ હોવાનું જણાયું હતું.

શુદ્ધ અંબરગ્રિસ મળી આવ્યું
ગયા વર્ષે 16 જૂને મુંબઈ પોલીસ એ વન વિભાગે મુલુંડથી ત્રણ જણને 2.7 કિલો અંબરગ્રિસ સાથે પકડી પાડ્યા હતા. મરીન બાયોલોજિસ્ટ દ્વારા આ શુદ્ધ સ્વરૂપનું અંબરગ્રિસ હોવાનું તારણ કાઢવાં આવ્યું હતું. આ પૂર્વે લોઅર પરેલથી રૂ. 7.7 કરોડના અંબરગ્રિસ સાથે બે જણની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછ પરથી 2016માં પોલીસ સેવામાંથી બરતરફ કરેલો પોલીસ કોન્સ્ટેબલ પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...