અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આથી આરોપી શેહઝાન ખાનને હવે વધુ જેલમાં રાખવાની કોઈ જરૂર નથી એવી નોંધ પાલઘર જિલ્લામાં વસઈ કોર્ટે કરી છે. શેહઝાનને કોર્ટે શનિવારે જામીન આપ્યા, જેની વિગતો રવિવારે ઉપલબ્ધ થઈ.
તુનિષાએ આત્મહત્યા કરી તેની છેલ્લી દસ મિનિટ પૂર્વે શું થયું તે પોલીસ હજુ સ્થાપિત કરી શકી નથી એવી નોંધ કોર્ટે કરી હતી.વસઈમં એડિશનલ સેશન્સ કોર્ટના જજ આર ડી દેશપાંડેએ શેહઝાનને અમુક શરતો પર જામીન આપ્યા. તેની પાસેથી રૂ. 1,00,000ની શ્યોરિટી પણ લેવામાં આવી છે. નોંધનીય છે કે 24 ડિસેમ્બર, 2022ના રોજ તુનિષાએ પાલઘરના વસઈ સ્થિત વાલિવમાં ટીવી સિરિયલ અલીબાબા- દાસ્તાન-એ- કાબુલના સેટ્સ પર આત્મહત્યા કરી હતી. તુનિષાની માતાની ફરિયાદને આધારે બીજા જ દિવસે શેહઝાન (28)ની પોલીસ દ્વારા આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
જજે એવી નોંધ કરી કે તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આથી વધુ સમય આરોપીને કસ્ટડીમાં રાખવાનું કોઈ કારણ જણાતું નથી. શેહઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે મારા અસીલે મૃતક સાથે બ્રેક-અપ કર્યું હતું એવું ધારવામાં આવે તો પણ આ સંબંધ પુનઃસ્થાપિત કરવાનો ઈનકાર કરવાથી આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનું કોઈ કારણ બનતું નથી.
આ ઘટના બે મહિના પૂર્વે બની હતી અને આત્મહત્યા પછી શેહઝાન જ તુનિષાને હોસ્પિટલમાં લઈ ગયો તે આ કેસમાં તેની નિર્દોષતા બતાવે છે, એમ મિશ્રાએ કોર્ટને જણાવ્યું હતું. શેહઝાન નામાંકિત અભિનેતા છે અને મુંબઈમાં કાયમી નિવાસ ધરાવે છે અને તેથી નિયમિત રીતે કોર્ટની તારીખોમાં હાજરી આપશે અને તેને વધુ સમય જેલમાં રાખવો તે ટ્રાયલ-પૂર્વ સજા બરોબર હશે, એમ પણ તેમણે દલીલ કરી હતી.જજ દેશપાંડેએ આદેશમાં જણાવ્યું કે પોલીસી તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને વસઈના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.