મુંબઈ પોલીસ દળના એક પોલીસ કોન્સ્ટેબલને તેના પોલીસ સાથીદાર પત્નીનો અશ્લીલ વિડિયો બનાવવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલનું નામ અભિજિત પરબ છે. તે મુંબઈ પોલીસના સ્થાનિક આર્મ યુનિટ સાથે જોડાયેલો છે. આરોપી અને ફરિયાદી કોન્સ્ટેબલ એક જ વિસ્તારમાં રહે છે. થોડા દિવસો પહેલાં એક વોટ્સએપ ગ્રુપમાં એક વિડિયો આવ્યો હતો, જે ગ્રુપમાં ફરિયાદી હવાલદાર હતો. તે જોઈને ચોંકી ગયો કે આ વિડિયો તેની પત્નીનો છે અને પરબે તેને શૂટ કર્યો છે.
પ્રથમ દ્રષ્ટિએ અભિજિત પરબની ગુનામાં સંડોવણી બહાર આવ્યા પછી વરલી પોલીસે તેને ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ 41એ હેઠળ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટે નોટિસ પાઠવી હતી. વિભાગીય તપાસ અને તપાસ બાકી હોવાથી તેને સસ્પેન્ડ કરવાનો અને તેની પર ફોજદારી આરોપ લગાવવાનો કેસ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પરબને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, કારણ કે તેનો ગુનો ગંભીર અને મહિલાઓ વિરુદ્ધનો છે અને તેનું વર્તન અનૈતિક છે. અમે સંબંધિત મહિલાના પતિની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.
પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વિડિયો કોણે ફેલાવ્યો.બીજી તરફ પત્નીએ બદનામીના ડરથી ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી, પરંતુ કોન્સ્ટેબલે તેના સાસરિયાઓને સંબંધિત ઘટનાની જાણ કરી હતી અને પત્નીને પિયરના ઘરે લઈ જવા માટે કહ્યું હતું. પત્નીને ઘરે મોકલ્યા બાદ કોન્સ્ટેબલ વરલી પોલીસ સ્ટેશન ગયો હતો. તેની ફરિયાદના આધારે, પરબ અને વોટ્સએપ ગ્રુપ પર વિડિયો પોસ્ટ કરનાર અજાણ્યા મોબાઈલ નંબરના ધારક સામે કલમ 500 (બદનક્ષી), 292 (અશ્લીલ સામગ્રીનો પ્રસાર વગેરે), 293 (યુવાનોમાં અશ્લીલ સામગ્રી ફેલાવવી) 34 (સામાન્ય હેતુ) અને ભારતીય દંડ સંહિતાની 67 એ (ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં લૈંગિક રીતે સ્પષ્ટ સામગ્રી પ્રકાશિત અથવા પ્રસારિત કરવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.