મુંબઈ મહાપાલિકાના ભૂતપૂર્વ નગરસેવકે સોમવારે મુંબઈ હાઈકોર્ટમાં 8 ઓગસ્ટના વટહુકમને પડકાર્યો હતો, જે વર્તમાન સરકારે વટહુકમ થકી મહાવિકાસ આઘાડી સરકારના મહાપાલિકા વોર્ડના સીમાંકન અંગેના નિર્ણયને ઊલટાવ્યો હતો અને વોર્ડની સંખ્યા 236થી ઘટાડીને પાછી 227 કરી હતી.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાથે જોડાયેલા ભૂતપૂર્વ નગરસેવક રાજુ શ્રીપાદ પેડણેકરે સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યા પછી હાઇ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે એવી દાદ માગી હતી કે વટહુકમને રદબાતલ જાહેર કરવામાં આવે. રાજ્ય ચૂંટણી પંચ 4 મે અને 20 જુલાઈના સુપ્રીમ કોર્ટના આદેશો અનુસાર સીમાંકનના આધારે મહાપાલિકાની ચૂંટણીઓ કરાવે.અરજદાર માટે એડવોકેટ જોએલ કાર્લોસે જસ્ટિસ આર ડી ધાનુકા અને જસ્ટિસ કમલ આર ખાટાની ડિવિઝન બેંચ સમક્ષ તાકીદની સુનાવણીની માગણી કરી હતી, પરંતુ બેન્ચે બુધવાર પર સુનાવણી મુલતવી રાખી હતી.
આઘાડીની કેબિનેટે ગયા વર્ષે 10 નવેમ્બરે મહાપાલિકાના વોર્ડની સંખ્યા વધારીને 236 કરી હતી. 3 ડિસેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેના આધારે એસઈસીએ મહાપાલિકા પ્રશાસનને વોર્ડની સીમાઓ ફરીથી દોરવા જણાવ્યું હતું. સીમાંકન ડ્રાફ્ટ 1 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યો હતો, જેને ભાજપ અને કોંગ્રેસ તરફથી નકારાત્મક પ્રતિક્રિયાઓ મળી હતી.
21 ફેબ્રુઆરીએ, તેને “રાજકીય રીતે પ્રેરિત’ પીઆઈએલ પિટિશન હોવાનું અવલોકન કરીને, હાઈ કોર્ટે આગામી મહાપાલિકા ચૂંટણીઓ માટે મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ દ્વારા જારી કરાયેલો ડ્રાફ્ટ સીમાંકન સૂચનાને પડકારતી ભાજપ અને મનસે કાર્યકરો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
જસ્ટિસ એ એ સૈયદની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે અરજદારો, ભાજપના નિતેશ રાજહંસ સિંહ અને મનસેના સાગર કાંતિલાલ દેવરે પર 25,000 રૂપિયાની પેનલ્ટી પણ લાદી હતી. સિંહ અને દેવરેએ ફેબ્રુઆરી 1 ના રોજ પ્રકાશિત મહાપાલિકાની સીમાંકન સૂચનાની કાયદેસરતા અને યોગ્યતાને પડકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.