મહારાષ્ટ્રના અમરાવતીનાં સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધાનસભ્ય રવિ રાણાએ મંગળવારે વિશેષ અદાલતમાં અરજી દ્વારા ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને તેમના બાંદરા સ્થિત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની આપેલા પડકારના કેસમાં નિર્દોષ જાહેર કરવાની માગણી કરી હતી. કોર્ટે પોલીસને તેમની અરજી પર 2 ફેબ્રુઆરી સુધીમાં જવાબ નોંધાવવા આદેશ આપ્યો છે.
રાણા દંપતીએ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી નિવાસની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરી હતી. મુંબઈ પોલીસે રાણા દંપતી સામે કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધ્યો હતો. આ કેસમાં રાણા દંપતી હાલ જામીન પર બહાર છે. આ કેસમાં બંને વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.
આ મામલામાં મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટમાં કેસમાંથી નિર્દોષ છોડવાની માગણી માટે અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે પોલીસને રાણા દંપતીની અરજીનો જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.દરમિયાન, આ કેસની સુનાવણીમાં હાજર રહેવાના વારંવારના આદેશ છતાં રાણા દંપતી સુનાવણીમાં હાજર ન રહેતાં, વિશેષ અદાલતે દંપતી માટે ત્રીજી વખત જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જે બાદ રાણા દંપતી કોર્ટમાં હાજર થયા હતા. આ પછી કોર્ટે વોરંટ રદ કરી દીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.