મુંબઈ -અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક અડચણ દૂર થઈ ગઈ છે. મુંબઈ હાઈ કોર્ટે મુંબઈ, પાલઘર અને થાણેમાં 22 હજાર મેન્ગ્રોવ્ઝ કાપવાની મંજૂરી આપી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (મુંબઈ -અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર)એ આ સંબંધમાં હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ મંજુરી જાહેર હિતમાં આપવામાં આવી રહી હોવાનું સમજાવતાં હાઇ કોર્ટે આ મેન્ગ્રોવ્ઝને કાપવાને કારણે થયેલા નુકસાનના વળતર તરીકે કંપનીને 2.5 લાખ રોપાઓ વાવવાની શરત મૂકી છે.ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અભય આહુજાની બેન્ચે શુક્રવારે અનામત ચુકાદો જાહેર કર્યો હતો.
એનએચઆરસીએલ કંપનીની મેન્ગ્રોવ્ઝ કાપવાની મંજૂરી આપવાની માગણી સ્વીકારતી વખતે હાઇ કોર્ટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આપવામાં આવેલી મંજૂરીમાં નિર્ધારિત નિયમો અને શરતોનું સખતપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
દરમિયાન બોમ્બે એન્વાયર્નમેન્ટ એક્શન ગ્રુપ વતી હાઇ કોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પ્રોજેક્ટના બીજા તબક્કામાં મેન્ગ્રોવ્ઝને કાપવા માટે પરવાનગી મળી નથી. વૃક્ષ કાપવાની પરવાનગી આપવામાં ન આવે તેવી માગ કરવામાં આવી હતી.
પ્રોજેક્ટના નિર્માણ માટે કેટલીક જગ્યાએ રાસાયણિક વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોનમાં આવે છે. ઉપરાંત ત્યાં જે થાણે સ્ટેશન બનાવવામાં આવશે તે મૂળભૂત રીતે થાણે જિલ્લાની બહાર છે. થાણેનો આ વિસ્તાર ફ્લેમિંગો પક્ષીઓ માટે આરક્ષિત છે. આ પ્રોજેક્ટને કારણે તે પણ ગુમાવશે.
આરક્ષિત જંગલ વિસ્તાર કે જેમાંથી બુલેટ ટ્રેનનો માર્ગ પસાર થશે તે માટે વન સંરક્ષણ અધિનિયમ હેઠળ કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી, અને રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ દ્વારા જરૂરી મંજૂરીઓની વિગતો સુપરત કરવામાં આવી નથી. આ જ સંસ્થાની મૂળ પિટિશન પર નિર્ણય લેતી વખતે જો ભવિષ્યમાં જાહેર પ્રોજેક્ટ માટે મેન્ગ્રોવ્ઝ કાપવા હોય તો હાઈ કોર્ટની પરવાનગી ફરજિયાત કરવામાં આવી છે. સંગઠને હાઈ કોર્ટને તેના નિર્ણય પર સ્ટે આપવા વિનંતી કરી હતી જેથી તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય, પરંતુ તેને ફગાવી દેવામાં આવ્યો હતો.
થાણેના ગ્રીન બેલ્ટને પણ અસર
કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. 508 કિમી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 155 કિમીનો પટ્ટો મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં 21 થી 23 કિમી વિસ્તારમાં મેન્ગ્રોવ્ઝનું જંગલ કાપવું જરૂરી હતું. તે મુજબ આ પ્રોજેક્ટ માટે મુંબઈ, થાણે, પાલઘરમાં હજારો મેન્ગ્રોવ્ઝનાં જંગલો કાપવામાં આવશે અને થાણેના ગ્રીન બેલ્ટને પણ અસર થશે.
પરંતુ આ એક સાર્વજનિક પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયે મેન્ગ્રોવ્ઝના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી. અગાઉ 53,467 મેન્ગ્રોવ્ઝ કાપવાના હતા, પરંતુ બાદમાં આ આંકડો ઘટાડીને 21, 997 કરી દેવામાં આવ્યો હતો, તેવી હાઇ કોર્ટને જાણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.