વીજ કંપની પર આરોપ:વીજ બંધ થતાં વેન્ટિલેટર પરના દર્દીનું મોત નિપજ્યું, ફેફસાના દર્દીને ઘરમાં વેન્ટિલેટર પર રખાયો હતો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોલ્હાપુરમાં વીજ બંધ થતાં ફેફસાના દર્દીની સારવાર માટે રાખવામાં આવેલું વેન્ટિલેટર મશીન બંધ થઈ જતાં દર્દીનું મોત થયું હતું. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. મુંબઈથી 230 કિમી દૂર પશ્ચિમ મહારાષ્ટ્રના કારવીર તાલુકાના ઉછગાવ ગામમાં ગુરુવારે રાત્રે આ ઘટના બની હતી.દર્દી અમેશ કાળે (38) છેલ્લાં થોડાં વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતો હતો. તેને ઘરમાં વેન્ટિલેટર પર રખાયો હતો.

કુટુંબીઓએ વીજ બિલ ભર્યું નહીં હોવાથી વીજ વિતરણ કંપનીએ 30 મેએ વીજ પુરવઠો બંધ કર્યો હતો. આ પછી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પરિવારે અમુક હંગામી વ્યવસ્થા કરી હતી, એમ ઉછગાવમાં ગાંધીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. ગુરુવારે રાત્રે વરસાદને લીધે વિસ્તારમાં વીજ બંધ થઈ હતી, જેને લઈ વેન્ટિલેટર પણ બંધ થઈ ગયું હતું, જેમાં દર્દીનું મૃત્યુ થયું હતું.

કોલ્હાપુરના એસપી શૈલેષ બાલકવડેએ જણાવ્યું હતું કે વીજ બંધ થવાને લીધે દર્દીના મૃત્યુની અમે તપાસ શરૂ કરી છે. કાળેના મૃત્યુ પછી ક્રોધિત પરિવારના સભ્યો અને સંબંધીઓ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું તે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા અને વીજ વિતરણ કંપની સામે પગલાં લેવાની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...