ભાસ્કર વિશેષ:પ. રેલવેના મુંબઈ વિભાગમાં 97 વોટર વેન્ડિંગ મશીન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચર્ચગેટથી દહાણુ સહિત ઉધના, ઉદવાડા, સુરત સ્ટેશનમાં મૂકવામાં આવશે

પશ્ચિમ રેલવેમાં બંધ થયેલા સસ્તામાં શુદ્ધ પાણી ઉપલબ્ધ કરી આપતા વોટર વેન્ડિંગ મશીન સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગમાં કુલ 97 વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે એવી માહિતી પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપી હતી. એના માટે ટેંડર મગાવવામાં આવ્યા છે. 97માંથી 67 મશીન મુંબઈ ઉપનગરીય સ્ટેશનમાં મૂકવામાં આવશે.

પ્રવાસીઓને સસ્તામાં શુદ્ધ અને ઠંડુ પાણી મળે એ માટે આઈઆરસીટીસીએ મધ્ય અને પશ્ચિમ રેલવેના તમામ સ્ટેશનમાં વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા હતા. કેટલાક સ્ટેશનમાં બંધ થયેલી કે કાઢી નાખવામાં આવેલી પરબના કારણે આ નવી સેવાનો પ્રવાસીઓને ફાયદો થયો. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર, દહાણુ, પાલઘર, ઉધના સહિત બીજા કેટલાક સ્ટેશનમાં આ મશીન મૂકવામાં આવ્યા હતા.

પ્રવાસીઓને બાટલીમાં 300 મિલીલીટર પાણી જોઈએ તો એના માટે 1 રૂપિયો અને રેલવે પાસેની બાટલીમાં અથવા ગ્લાસમાં પાણી જોઈએ તો 2 રૂપિયા ચુકવવા પડતા હતા. 500 મિલીલીટર પાણી માટે અનુક્રમે 3 અને 5 રૂપિયા, એક લીટર પાણી માટે અનુક્રમે 5 અને 8 રૂપિયા, બે લીટર પાણી માટે 8 અને 12 રૂપિયા દર નિશ્ચિત કરવામાં આવ્યા હતા.

આ સુવિધાને પ્રવાસીઓને પસંદ કરતા હતા. જો કે કોરોનાના સમયમાં બંધ કરવામાં આવેલા વોટર વેન્ડિંગ મશીન સેવાનું પ્રકરણ કોર્ટમાં ગયું અને આ સેવા આઈઆરસીટીસીએ બંધ કરી. એ પછી પશ્ચિમ રેલવેમાં મુંબઈ વિભાગમાં કુલ 97 વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે.

કોન્ટ્રેક્ટરની પસંદગી પછી પાણીના દર નિશ્ચિત થશે
ચર્ચગેટથી વિરાર, દહાણુ સુધીના કુલ 37 સ્ટેશનમાં 67 મશીન મૂકવામાં આવશે. પાલઘર, ઉદવાડા, ઉધના, સુરત, નંદુરબાર સ્ટેશનમાં આ મશીન ઉપલબ્ધ કરશે, મૂકશે અને એની સુવિધા પ્રવાસીઓને આપવા વિવિધ કોન્ટ્રેક્ટરની પસંદગી કરવામાં આવશે. એના માટે ટેંડર મગાવવામાં આવ્યાની માહિતી પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આપી હતી. ટેંડર પ્રક્રિયા પૂરી કર્યા પછી આ મશીન દ્વારા પીવા માટે ઉપલબ્ધ કરવામાં આવનારા પાણીના દર નિશ્ચિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...