પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગમાં આગામી માર્ચ પહેલાં પ્રવાસીઓ માટે વધુ એક એસી લોકલ દાખલ થશે. તેથી પશ્ચિમ રેલવેના કાફલામાં એસી લોકલની સંખ્યા 8 થશે. અત્યારે આ લોકલનું પરીક્ષણ ચાલુ છે એવી માહિતી પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપી હતી. પશ્ચિમ રેલવેમાં ડિસેમ્બર 2017માં પહેલી એસી લોકલ શરૂ થઈ હતી. શરૂઆતમાં એસી લોકલને પ્રવાસીઓનો પ્રતિસાદ મળતો નહોતો. જો કે ટિકિટના દરમાં કપાત થતા જ પ્રવાસીઓ પ્રતિસાદ વધી રહ્યો છે.
અત્યારે પશ્ચિમ રેલવેમાં દરરોજ એસી લોકલની 79 ફેરી થાય છે. હાલ પશ્ચિમ રેલવેમાં 7 એસી લોકલ છે. ઉપકરણો નીચે હોય એવી એસી લોકલ તાજેતરમાં મધ્ય રેલવેના કાફલામાં દાખલ થઈ છે. આ લોકલનું પરીક્ષણ છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલુ હતું. હવે ટૂંક સમયમાં પશ્ચિમ રેલવેમાં આઠમી એસી લોકલ દાખલ થશે. વચ્ચેના સમયમાં 6 ડબ્બા એસી અને 6 ડબ્બા નોન-એસી એમ કુલ 12 ડબ્બાની સેમી-એસી લોકલ દોડાવવાનો વિચાર ચાલુ હતો. એના માટે ચેન્નઈના રેલવે કારખાનામાં બનેલી 12 ડબ્બાની એક એસી લોકલ મુંબઈ પહોંચી હતી. આ ટ્રેનના 6 એસી ડબ્બા કાઢીને એના બદલે 6 નોન-એસી ડબ્બા જોડવામાં આવ્યા અને આ સેમી-એસી લોકલ ટ્રેનનું પરીક્ષણ પશ્ચિમ રેલવેમાં કરવામાં આવ્યું.
આ પ્રયોગ નિષ્ફળ રહ્યો અને સંપૂર્ણ એસી લોકલ ચલાવવા મંજૂરીનો સિક્કો લાગ્યો. પરીક્ષણ કરવામાં આવેલી આ જ લોકલ પશ્ચિમ રેલવેમાં સંપૂર્ણ એસી લોકલ તરીકે દાખલ થશે. આ ટ્રેનને જોડવામાં આવેલા નોન-એસી ડબ્બા કાઢીને ફરીથી એસી ડબ્બા જોડવામાં આવ્યા છે. આ લોકલનું રિસર્ચ ડિઝાઈન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન તરફથી પરીક્ષણ ચાલુ છે અને માર્ચ પહેલાં આ લોકલ પ્રવાસીઓની સેવામાં દાખલ થશે એવી માહિતી પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આપી હતી. સામાન્ય લોકલ ફેરી રદ કરીને જ આઠમી એસી લોકલ ચલાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેમાં એસી લોકલને ઉત્તમ પ્રતિસાદ
પશ્ચિમ રેલવેમાં દરરોજ એસી લોકલની 79 ફેરી થાય છે. એને પ્રવાસીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળે છે. 16 ડિસેમ્બર 2022ના 20 હજાર 247 ટિકિટનું વેચાણ થયું હતું. કેટલીક વખત 2 હજાર પાસનું વેચાણ થયું છે. જાન્યુઆરી 2023માં પહેલા ત્રણ દિવસમાં કુલ 38 હજાર 713 ટિકિટ અને 6 હજાર 22 પાસની ખરીદી પ્રવાસીઓએ કરી છે. પશ્ચિમ રેલવેને એમાંથી 3 લાખ 87 હજાર 704 રૂપિયાનું મહેસૂલ મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.