નાલાસોપારા સ્ટેશન પર એસી લોકલના સ્વયંસંચાલિત દરવાજા નહીં ખૂલવાને કારણે ગુસ્સે થયેલા મુસાફરોએ મોટરમેન સાથે દલીલબાજી અને ઝઘડો કર્યો હતો. સોમવારે રાત્રે નાલાસોપારા સ્ટેશન પર વિરાર જતી એસી લોકલના ટ્રેન કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમની નિષ્ફળતાને કારણે છ કોચના દરવાજા ખૂલ્યા નહોતા.
ગુસ્સે ભરાયેલા પ્રવાસીઓએ એસી લોકલ ટ્રેનના મોટરમેન સાથે દલીલો કરી હતી અને મારપીટ પર ઊતરી આવ્યા હતા. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને કારણે દરવાજા ખૂલ્યા નહોતા. ટ્રેન કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ( ટીસીએમએસ)ની નિષ્ફળતાને કારણે મોટરમેન તરફથી છ કોચના દરવાજા ખોલી શકાયા નહોતા.
આ ઘટનાના વાઈરલ થયેલા વિડિયોમાં જોઇ શકાય છે કે મોટરમેન મુસાફરોના ગુસ્સાથી બચવા તેમની કેબિનમાંથી બીજા દરવાજામાંથી નાસી છૂટ્યા હતા. પશ્ચિમ રેલવેના સત્તાવાર તપાસ અહેવાલ મુજબ, વિરાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 23.34 કલાકે રેક પહોંચ્યા બાદ ટ્રેન વિરાર કાર શેડ માટે ખાલી રવાના થવાની હતી.
પરંતુ એનએસપી પર કોચ નં. 7028 સીબીએ અને કોચ નં. 7026 સીબીએના દરવાજો ન ખૂલ્યો હોવાનું કહી મુસાફરોએ આંદોલન કર્યું અને મોટરમેન અને ગાર્ડને ઘેરી લીધા. પ્રાથમિક કાર્યવાહી પછી, ટ્રેન નેટવર્ક અને વાહન નેટવર્ક રાબેતા મુજબ શરૂ થઇ ગયું હતું. આરપીએફ અને જીઆરપી અધિકારીઓ દ્વારા મુસાફરોને સમજાવવામાં આવ્યા હતા, જે પછી મુસાફરોને શાંત કરવામાં સફળતા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.