કોરોનાનો ફેલાવો:રાજ્યના ગ્રામીણ ભાગોમાં ફરી કોરોના સંક્રમણનો ફેલાવો વધ્યો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાલના જિલ્લો કોરોનામુક્ત પણ બીજા જિલ્લાઓમાં દર્દીઓમાં વધારો

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ફેલાઈ રહ્યું છે. મુંબઈ, થાણે પરિસરમાં સૌથી વધારે દર્દીઓની નોંધ થઈ રહી છે ત્યારે નાશિક, નગર, ઔરંગાબાદ, લાતુર જિલ્લામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેથી મહાનગર પછી હવે ગ્રામીણ ભાગોમાં પણ કોરોનાનો ફેલાવો થઈ રહ્યો હોવાનું ચિત્ર છે.

કોરોનાની ત્રીજી લહેર ઓસર્યા પછી મે મહિનાથી મુંબઈ અને પુણેમાં ફરીથી દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. મેના છેલ્લા અઠવાડિયાથી મુંબઈમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબીવલી, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર અને પનવેલ મહાપાલિકા ક્ષેત્રમાં પણ રોજિંદા દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે.

નજીકના પાલઘર અને રાયગડ જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ મુંબઈમાં નોંધાઈ રહ્યા છે. એ પછીના ક્રમે થાણે, પુણે, પાલઘર, રાયગડ જિલ્લાનો સમાવેશ છે. એ પછી હવે બીજા જિલ્લાઓમાં પણ કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

નગર મહાપાલિકા ક્ષેત્રમાં શૂન્ય કે એક દર્દીની નોંધ હતી તો હવે 5 દર્દી અને ગ્રામીણ ભાગમાં 10 દર્દીની નોંધ થઈ છે. નાશિક મહાપાલિકા ક્ષેત્રમાં 12 અને ગ્રામીણ ક્ષેત્રમાં 6 દર્દીઓ નોંધાયા. આ પહેલાં કુલ સંખ્યા 5 કરતા ઓછી હતી. મોટા ભાગના દર્દીઓ સ્થાનિક રહેવાસી છે. બીડમાં પહેલાં શૂન્ય દર્દીઓ હતા.

છેલ્લા થોડા દિવસમાં દરરોજ એકબે દર્દી મળી રહ્યા છે. નાગપુરમાં સક્રિય દર્દીઓની સંખ્યા અઠવાડિયામાં 23 થી વધીને 63 થઈ છે. વાશિમ, સાતારા, સોલાપુર, જલગાવ જિલ્લામાં પણ સક્રિય દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. સિંધુદુર્ગમાં 2 થી વધીને 11, સાંગલીમાં 1 થી વધીને 11 થઈ છે. રાજ્યમાં ફક્ત જાલના જિલ્લો કોરોનામુક્ત છે.

ચિંતા કરવાનું કારણ નથી
મુંબઈ-પુણે જેવા શહેરોમાં આરોગ્ય વ્યવસ્થા મજબૂત છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. બીજા જિલ્લાઓમાં ખાસ કરીને ગ્રામીણ ભાગમાં કોરોનાનો ફેલાવો થશે તો મૃત્યુદર વધે એવી શક્યતા છે. તેથી ટેસ્ટ, રસીકરણ અને માસ્કના ઉપયોગ પર ભાર મૂકવો ઘણો જરૂરી છે એમ કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...