આર્યનને મળી રાહત:ક્રુઝ ડ્રગ્સ કેસમાં જપ્ત આર્યનનો પાસપોર્ટ પાછો આપવા આદેશ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં કલીન ચિટ મળ્યા પછી બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનનો પાસપોર્ટ પણ પાછો આપી દેવા માટે એનડીપીએસ કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ને આદેશ આપ્યો છે. આર્યન દ્વારા 30 જૂને પાસપોર્ટ પાછો મળે તે માટે કોર્ટમાં અરજી કરી હતી.કોર્ટે એનસીબીને જવાબ નોંધાવવા માટે જણાવ્યું હતું. દરમિયાન બુધવારે આ અંગેની સુનાવણી થઈ હતી, જે સમયે કોર્ટે આર્યનનો પાસપોર્ટ પાછો આપી દેવા માટે આદેશ આપ્યા હતા.

કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં એનસીબીએ આર્યનની ધરપકડ કરી હતી. આ મામલો ખોટો છે એવા ગંભીર આરોપ થયા હતા. આને કારણે એનસીબીના તત્કાલીન મુંબઈ પ્રમુખ સમીર વાનખેડેની બદલી કરાઈ હતી. આ પ્રકરણની તપાસ કરવા એનસીબીના જ ઉચ્ચ અધિકારીઓની એસઆઈટી નીમવામાં આવી હતી. એસઆઈટીએ ઊંડાણથી તપાસ કરીને ચાર્જશીટ કરી છે, જેમાં આર્યનને ક્લીન ચિટ આપી છે. આ પ્રકરણમાં આર્યનનો કોઈ સંબંધ નહીં હોવાથી તેનો પાસપોર્ટ પાછો આપી દેવામાં આવે એવો આદેશ કોર્ટે આપ્યો હતો.

નોંધનીય છે કે મુંબઈથી ગોવા જતી કોર્ડેલિયા ક્રુઝ પર 3 ઓક્ટોબર, 2021ના રોજ એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અમુક પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરાયું હતું. આ પ્રકરણે આર્યન, તેના ફ્રેન્ડ અરબાઝ મર્ચન્ટ અને મુમુન ધમેચાની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં પછી કુલ 20 જણની ધરપકડ કરાઈ હતી. આર્યન લગભગ એક મહિનો જેલમાં રહ્યો હતો. તેના સહિત છ જણને ક્લીન ચિટ મળી છે.

અન્ય સમાચારો પણ છે...