નિર્દેશ:કોરોનામાં મૃત્યુ પામેલા બેસ્ટના કંડક્ટરોને વળતર ચૂકવવા આદેશ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુકંપા ધોરણે નોકરી આપવાનો પણ મુંબઈ હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ

મુંબઈ હાઈ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કોરોનાની પ્રથમ લહેરમાં ફરજ બજાવતાં મૃત્યુ પામેલા બેસ્ટ કંડક્ટરના વારસદારોને આર્થિક મદદ નકારવી અયોગ્ય છે. બેસ્ટ વહીવટી તંત્રને તેના કંડકટરના વારસદારોને રૂ. 50 લાખનું એક્સ-ગ્રેશિયા વળતર આપવા અને તેમની પુત્રીને અનુકંપા ધોરણે નોકરી આપવાનો કોર્ટે નિર્દેશ આપ્યો છે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બેસ્ટ 60 દિવસમાં આ આદેશનું પાલન કરવા માટે બંધાયેલી રહેશે. જો અમે આ મામલે હસ્તક્ષેપ કર્યા વિના અરજદારોની બાજુ સાંભળવાનો ઇનકાર કરીએ તો તે મૃતક કંડકટરોના વારસદારો સાથે ખરેખર અમાનવીય વર્તન હશે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ માધવ જામદારની બેન્ચે ચુકાદામાં આવું મહત્ત્વપૂર્ણ અવલોકન નોંધ્યું છે.

કૃષ્ણા જબરે 22 વર્ષ બેસ્ટમાં કંડકટર તરીકે સેવા આપી. 1 ઓગસ્ટ, 2020ના રોજ, તેઓ કામ પર હતા ત્યારે તેમની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 6 ઓગસ્ટના તેમનું અવસાન થયું હતું. કોરોનાના નિયમો અનુસાર, મહાપાલિકાએ તેમના પરિવારને મૃતદેહ સોંપ્યા વિના અંતિમસંસ્કાર કર્યા. કૃષ્ણાની પુત્રી, મયુરીએ બેસ્ટ વહીવટીતંત્રને અનુકંપા ધોરણે નિમણૂકની માગણી કરી છે અને દાવો કર્યો છે કે જબરેનો કોઈ તબીબી ઇતિહાસ નહોતો અને ફરજ પર હતા ત્યારે તેમને કોરોના થયો હતો.

જોકે, કોવિડ સંબંધિત મૃત્યુની સમીક્ષા કરવા માટેની મહાપાલિકાની સમિતિએ વળતર આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને તે સ્પષ્ટપણે સાબિત થયું નથી કે કૃષ્ણનું મૃત્યુ કોવિડને કારણે થયું હતું. પરિવારે આ નિર્ણયને મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...