દુર્ઘટના:મુંબઈના બાન્દરા ખાતે ઈમારત ધસી પડતા એકનું મોત નિપજ્યું

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા માળે રહેતા 16 જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા

મુંબઈના બાન્દરા પરિસરમાં બુધવારે મધરાતે સાડા બાર વાગ્યાના સુમારે ત્રણ માળાની એક ઈમારત ધસી પડી હતી. આ દુર્ઘટનામાં એક જણનું મૃત્યુ થયું હતું અને 16 જણ ગંભીર જખમી થયા હતા.

જખમીઓને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પર સારવાર ચાલુ છે. બાન્દરામાં શાસ્ત્રીનગર પરિસરમાં આ દુર્ઘટના બની હતી. ઘટનાની માહિતી મળતા જ તરત બચાવ ટીમ, અગ્નિશમન દળના 4 બંબા, પોલીસ, એમ્બ્યુલન્સ અને મહાપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એ પછી તરત બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

આ દુર્ઘટના બાબતે ડીસીપી મંજુનાથ સિંહે જણાવ્યું કે બુધવાર મધરાતે સાડા બારના સુમારે બાન્દરાના શાસ્ત્રીનગર ભાગમાં ત્રણ માળાની ઈમારત ધસી પડી હતી. ભોંયતળિયે રહેતા તમામ નાગરિકો સુખરૂપ છે. પહેલા માળે રહેતા 6 જણ થોડા જખમી થયા હતા. બીજા માળે રહેતા 17 જણ ગંભીર જખમી થયા હતા. એમાંથી એક જણનું મૃત્યુ થયું હતું. બીજા 16 જણને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કુલ 23 જણને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા.

બાન્દરાના શાસ્ત્રીનગરમાં ઉત્તરપ્રદેશ, બિહારથી કામની શોધમાં મુંબઈ આવેલા શ્રમિકો મોટા પ્રમાણમાં રહે છે. બે દિવસ પહેલાં ત્રણ માળાની ઈમારતની બાજુમાં બાંધવામાં આવેલ ઘર તોડી પાડવામાં આવ્યું હતું. આ ત્રણ માળાની ઈમારતનો ટેકો કાઢી લેવામાં આવ્યો હોવાથી ઈમારત ધસી પડી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. કાટમાળ નીચે દબાયેલા અનેક લોકોને કાઢવામાં સ્થાનિક લોકોએ મદદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...