પાંચ વર્ષથી વધુ સમય એક જ જગ્યાએ ચોંટી રહેલા અધિકારીઓની મોટે પાયે બદલી કર્યાના એક વર્ષ પછી નવા મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર ક્રાઈમ બ્રાન્ચમાં નવો પ્રાણ ફૂંકવા માટે અમુક બિન- વિવાદાસ્પદ અધિકારીઓને પાછા લાવવા માગે છે.દેશમાં અવ્વલ તપાસ સંસ્થામાંથી એક તરીકે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ નામના ધરાવે છે. જોકે માર્ચ 2021માં વિવાદાસ્પદ એપીઆઈ સચિન વાઝેના ઈશારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે વિસ્ફોટકો સાથેની એસયુવી મૂકવાનું પ્રકરણ બહાર આવ્યા પછી તત્કાલીન મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ ક્રાઈમ બ્રાન્ચમાં મોટે પાયે અદલાબદલી કરી હતી. આ સાફસફાઈમાં ક્રાઈમ બ્રાન્ચમાં મુંબઈ માટે નવા જુનિયર અધિકારીઓ બચ્યા છે.
આને કારણે ક્રાઈમ બ્રાન્ચ નિસ્તેજ બની છે. આથી શહેરમાં ઉત્તમ નેટવર્ક ધરાવતા અને ગુનાની શોધમાં અનુભવી ચુનંદા અધિકારીઓને પાછા લાવવામાં આવશે. જોકે અધિકારીઓને પાછા ક્રાઈમ બ્રાન્ચમાં લેતી વખતે કઠોર તપાસ પ્રક્રિયા હાથ ધરાશે, જેથી ફરી વિવાદાસ્પદ અધિકારી નહીં આવી જાય છે. તેમનો ભૂતકાળનો રેકોર્ડ, તેમની પર કોઈ આરોપ છે કે કેમ વગેરેની તપાસ કરવામાં આવશે.ઉપરાંત તેમના ભૂતકાળના વિભાગ પ્રમુખ અને સાથીઓ જોડે વાત કરીને તેમની કાર્યશૈલી વિશે પણ સઘન તપાસ કરાશે.
નકારાત્મક અહેવાલ નહીં હોય તેવા જ અધિકારીઓને ક્રાઈમ બ્રાન્ચમાં લેવાશે.નોંધનીય છે કે નાગરાલેએ ગયા વર્ષે કમિશનર પદનો હવાલો સંભાળતાં 84 અધિકારીની બદલી કરી હતે, જેમાંથી 65 ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હતી. તત્કાલીન એપીઆઈ વાઝેને ક્રાઈમ બ્રાન્ચ સાથે સારાસારી હતી અને એપીઆઈ હોવા છતાં તેને ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)નો પ્રમુખ બનાવાયો તે જોતાં આ સાગમટે બદલીઓ કરવામાં આવી હતી.1000થી વધુ અધિકારી- કર્મચારીઓ સાથે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ મોટા કેસનો ઉકેલ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનું નેતૃત્વ જોઈન્ટ કમિશનર અને બે ડીસીપી કરે છે. મુંબઈના બાર ઝોનમાં ક્રાઈમ બ્રાન્ચની બાર યુનિટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.