આરોપીઓની મુશ્કેલી વધી શકે!:હવે વાઝેની મની લોન્ડરિંગ કેસમાં માફીનો સાક્ષી બનવા માટે અરજી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કેસમાં પણ પરવાનગી મળતાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની અડચણો વધી શકે છે

રૂ. 100 કરોડની વસૂલીના કેસમાં માફી મળ્યા પછી બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ ગુરુવારે મની લોન્ડરિંગ કેસમાં પણ માફીનો સાક્ષી બનાવવાની વિનંતી કરતી અરજી વિશેષ કોર્ટમાં કરી હતી. આ કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સહિત વાઝે અને અન્યો આરોપી છે. આથી જો આ કેસમાં પણ વાઝેને માફી મળે તો દેશમુખ અને અન્ય આરોપીઓની મુશ્કેલી વધી શકે છે.

દેશમુખને સંડોવતા રૂ. 100 કરોડની વસૂલીના ભ્રષ્ટાચારનો કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં સોમવારે સીબીઆઈની વિશેષ કોર્ટે માફી આપી હતી, જે પછી તુરંત તેણે બીજા કેસમાં આ નવી અરજી કરી છે.

દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટક અને ધમકીપત્ર સાથેની એસયુવી ગોઠવવા સંબંધે અને ત્યાર પછી થાણેના વેપારી મનસુખ હિરનની હત્યા કરવા સંબંધે ગયા વર્ષે માર્ચમાં વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે અને આ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે.વાઝેએ નવી અરજી પોતાની વકીલ આરતી કેળકર થકી કરી છે.

વાઝેએ તેમાં જણાવ્યું છે કે જો માફીનો સાક્ષી બનાવવામાં આવે તો આ કેસ સંબંધી બધી વાસ્તવિકતાઓ પોતે જાહેર કરવા માગે છે અને તપાસ એજન્સી સાથે હંમેશાં સહયોગ કરશે.આ કેસ જેમની સામે ચાલી રહ્યો છે તે વિશેષ કોર્ટના જજ આર એન રોકડેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના વિશેષ સરકારી વકીલ અને આ કેસના તપાસ અધિકારીને વાઝેની અરજી પર જવાબ નોંધાવવા માટે જણાવ્યું છે.

આ મામલો 23 જૂને પાછો સુનાવણીમાં લેવાશે.અગાઉ ફેબ્રુઆરીમાં વાજેએ ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તાસીન સુલતાનને પત્ર લખીને જણાવ્યું કે તે સક્ષમ મેજિસ્ટ્રેટ સમક્ષ આ મામલા સંબંધમાં પોતાને જાણકારી છે તે બધી જ વાસ્તવિકતાઓ સચ્ચાઈથી અને સ્વૈચ્છિક રીતે જાહેર કરવા માગે છે.

ઈડીનો કેસ શું છે
ઈડીનો કેસ એવો છે કે ક્રાઈમ બ્રાન્ચની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના તત્કાલીન એપીઆઈ સચિન વાઝે થકી તત્કાલીન ગૃહમંત્રી દેશમુખે મુંબઈમાં વિવિધ બાર અને રેસ્ટોરાંને અનધિકૃત રીતે ચલાવવા દેવાની સામે રૂ. 4.70 કરોડ ભેગા કર્યા હતા. આ નાણાંનું પછી લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું અને આ ભંડોળ દેશમુખના પરિવારના નિયંત્રણ હેઠળના શૈક્ષણિક ટ્રસ્ટ નાગપુર સ્થિત શ્રી સાઈ શિક્ષણ સંસ્થાનમાં વાળવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...