મનસે અધ્યક્ષ રાજ ઠાકરેને વોરંટ બજાવવા છતાં હાજર રહ્યા ન હોવાથી કોર્ટે ફરીથી બિનજામીનપાત્ર વોરંટ આદેશ જારી કર્યો હતો. આગામી તારીખ 1 જુલાઈ 2022 આપવામાં આવી છે. મનસે નેતા શિરીષ પારકરે કોર્ટમાં હાજર રહીને જામીન અરજી આપી હોવાથી તેનો બિનજામીનપાત્ર વોરંટ આદેશ રદ કરવામાં આવ્યો છે. જો કે રાજ ઠાકરે વોરંટ બજાવવા છતાં કોર્ટમાં હાજર રહ્યા નહોતા. તેથી કોર્ટે તેમના વિરુદ્ધ ફરીથી બિનજામીનપાત્ર વોરંટનો આદેશ કાઢ્યો છે.
શિરાળા ખાતે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નિયમિત ફોજદારી કેસની સુનાવણી થઈ હતી. એમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરે આરોપી ક્રમાંક 9 અને શિરીષ પારકર આરોપી ક્રમાંક 10 તરીકે સમાવેશ કરવામાં આવ્યા છે. આ પહેલાં બંને વિરુદ્ધ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ આદેશ જારી કર્યો હતો. એ પ્રમાણે શિરીષ પારકરે કોર્ટમાં હાજર રહીને જામીન અરજી કરી હતી. એ સમયે કોર્ટે તેની વિરુદ્ધ કરેલા બિનજામીનપાત્ર વોરંટનો આદેશ રદ કર્યો હતો. કોર્ટે પારકરને 15 હજાર રૂપિયાની જામીન પર અને 700 રૂપિયા ખર્ચના ભરીને જામીન મંજૂર કર્યા હતા.
બહુ ચર્ચીત શું છે આ સમગ્ર પ્રકરણ?
2006માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના થયા પછી 2008માં ભારતીય રેલવેમાં મરાઠી યુવકોને નોકરીની તક મળે એ માટે મનસે તરફથી મહારાષ્ટ્રમાં આંદોલન કરવામાં આવ્યું હતું. એના માટે રેલવેની કલ્યાણ કોર્ટમાં રાજ ઠાકરે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેથી તેમની રત્નાગિરી ખાતે ધરપકડ કરીને કલ્યાણ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. એના લીધે મનસેએ મહારાષ્ટ્રમાં આંદોલન કરીને અનેક ઠેકાણે બંધ પોકાર્યો હતો.
એ સમયે શિરાળા મનસે તરફથી તાનાજી સાવંતે શેડગેવાડી ખાતે બંધ પોકારીને વેપારીઓને દુકાનો બંધ કરવા ફરજ પાડી હોવાથી તાનાજી સાવંત અને બીજા કેટલાક જણ પર ગુના દાખલ થયા હતા. રાજ ઠાકરેને 8 જૂન 2022ના શિરાળા કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. પણ રાજ ઠાકરે અને જિલ્લાધ્યક્ષ તાનાજી સાવંત કેટલાક કારણોસર કોર્ટમાં હાજર રહ્યા નહોતા. જો કે શિરીષ પારકર કોર્ટમાં હાજર થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.