ભાસ્કર વિશેષ:મુંબઈના રસ્તાને ખાડામુક્ત કરવા માટે નવી ટેકનોલોજી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિએકટિવ અસ્ફાલ્ટ ટેકનોલોજીની મદદથી મૂશળધાર વરસાદમાં પણ ખાડાઓ બુઝાવી શકાશે

ખાડા બુઝાવવા મે જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરવા છતાં રસ્તાઓ પર ખાડા યથાવત રહેતા હોવાથી મહાપાલિકાનો માથાનો દુખાવો વધ્યો છે. એના પર વિકલ્પ તરીકે હવે રિએકટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજી વાપરવામાં આવશે. આ ટેકનોલોજીથી મૂશળધાર વરસાદમાં પણ ખાડા બુઝાવી શકાશે. આ પ્રસ્તાવને મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી છે.

મુંબઈમાં ખાસ કરીને ચોમાસામાં રસ્તાઓ પર ખાડાઓ પડવાની સમસ્યા મોટા પ્રમાણમાં થાય છે. રસ્તા બાંધવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ખાડાઓ યથાવત રહેતા હોવાથી મહાપાલિકાએ હંમેશા મુંબઈગરાઓની ટીકાનો સામનો કરવો પડે છે.

આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાએ છેલ્લા થોડા વર્ષથી ખાડાઓ બુઝાવવા અત્યાધુનિક ટેકનોલોજી કોલ્ડમિક્સનો ઉપયોગ શરૂ કર્યો છે. જો કે એની અસરકારકતા ઓછી થવાથી ખાડાઓની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.

મહાપાલિકાએ ખાડા બુઝાવવા માટે નવા વિકલ્પ શોધવાની શરૂઆત કરી હતી. એમાં લેવામાં આવેલી ટેસ્ટમાં રિએકટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજી યોગ્ય હોવાનું જણાયું છે. એના માટે ટેંડર મગાવવામાં આવ્યા હતા. એમાં એક કંપનીની પસંદગી કરવામાં આવી છે. એના માટે 2 કરોડ 68 લાખ 27 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મહાપાલિકાએ આપેલા કામ અનુસાર કોન્ટ્રેક્ટરે મુંબઈ શહેર, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોના રસ્તા પરના ખાડા બુઝાવવાનું કામ કરવાનું રહેશે.

ખાડા બુઝાવ્યા પછી આગામી 36 મહિના એટલે કે ત્રણ વર્ષ સુધી સંબંધિત કામનું મેઈનટેનન્સ અને રિપેરીંગ કોન્ટ્રેક્ટરે કરવાનું રહેશે. આ સમયગાળામાં કુલ બિલમાંથી કામની 10 ટકા રકમ અનામત રાખવામાં આવશે. મહાપાલિકાએ આગામી બે વર્ષમાં મુંબઈને ખાડામુક્ત કરવાનો દાવો કર્યો છે. એના માટે સારા દરજ્જાના રસ્તા બાંધવામાં આવશે જેના માટે 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. એ પહેલાં ઓછા ભંડોળમાં ખાડા બુઝાવવા શક્ય થાય તો એવો પ્રયત્ન કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકા અધિકારીઓએ આપી હતી.

આવી છે ટેકનોલોજી
રિએકટિવ આસ્ફાલ્ટ ટેકનોલોજીમાં રસાયણો અને ડામરનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજીના કારણે વાહનના ટાયરને એ ચોંટશે નહીં. તેમ જ ખાડા બુઝાવ્યા પછી બે મિનિટમાં વાહન પસાર થકે છે. વરસાદ ચાલુ હોય છતાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે. ડામરના રસ્તાઓ માટે આ ટેકનોલોજી વાપરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...