રાજ્યસભાની બેઠક:વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા નિયુક્તી માટેના નવા નામ ચર્ચામાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકરે સરકારે રાજ્યપાલને મોકલેલી ધારાસભ્યની યાદી પાછી ખેંચી

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપ્યો છે. એવું જાણવા મળ્યું છે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા નિયુક્ત કરવામાં આવતા વિધાન પરિષદના 12 સભ્યો માટે મહાવિકાસ આઘાડી સરકારે પસંદગીના નામની યાદી મોકલી હતી જે હવે શિંદે સરકારે પાછી ખેંચી છે. ગયા અઠવાડિયે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર મોકલીને આ યાદી પાછી ખેંચી લીધી છે.

ઠાકરે સરકારે રાજ્યપાલને 12 નામોની સૂચિ આપી હતી. પરંતુ રાજ્યપાલે તેના પર કોઈ નિર્ણય લીધો ન હતો. આ અંગે મહાવિકાસ આઘાડી અને રાજ્યપાલ વચ્ચે વિવાદ પણ ઊભો થયો હતો. પરંતુ આ દરમિયાન સરકાર બદલાયા બાદ હવે શિંદે સરકારે આ યાદી પાછી ખેંચી લેવાનો પત્ર આપ્યો છે, અને રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવતા 12 ધારાસભ્ય માટેના નામ ટૂંક સમયમાં શિંદે-ફડણવીસ સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવશે. આ નામ પર અંતિમ ચર્ચા પણ થઈ હોવાનું જાણવા મળે છે. શિંદે-ફડણવીસના 12 નામની યાદીમાં સામેલ થવા ઇચ્છુકોની સંખ્યા ઘણી વધારે છે. ઘણા નેતાઓએ એના માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે.

મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન, રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવતા ધારાસભ્યો માટે શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ તરફથી ચાર-ચાર મળીને કુલ 12 નામ મોકલવામાં આવ્યા હતા. રાષ્ટ્રવાદી તરફથી એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, યશપાલ ભીંગે અને આનંદ શિંદે જ્યારે કોંગ્રેસ તરફથી રજની પાટીલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસૈન અને અનિરુદ્ધ વણકરનું નામ આપવામાં આવ્યું હતું. શિવસેના તરફથી ઉર્મિલા માતોંડકર, ચંદ્રકાંત રઘુવંશી, વિજય કરંજકર અને નીતિન બાંગુડે પાટીલના નામ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એકનાથ ખડસેએ વિધાન પરિષદમાં પ્રવેશ કર્યો છે જ્યારે કોંગ્રેસના રજની પાટીલને રાજ્યસભાની બેઠક મળી છે.

શિંદે જૂથ અને ભાજપના સંભવિત નામો
રામદાસ કદમ, વિજય શિવતારે, આનંદરાવ અડસુલ કે અભિજિત અડસુલ, અર્જુન ખોતકર, નરેશ મહસ્કે, ચંદ્રકાંત રઘુવંશી અને રાજેશ ક્ષીરસાગરના શિંદે જુથમાં નામ ચર્ચાયા છે. જયારે ભાજપમાં હર્ષવર્ધન પાટીલ, ચિત્રા વાઘ, પંકજા મુંડે, કૃપાશંકર સિંહ, ગણેશ હોકે અને સુધાકર ભાલેરાવ સહિતના નામ ચર્ચાયા છે.

નવી સરકાર, નવા સમીકરણ
ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપને 12માંથી 8 અને શિંદે જૂથને 4 બેઠકો મળવાની શક્યતા છે. હવે શિંદે અને ફડણવીસ સામે મોટો પ્રશ્ન એ છે, કે આ 12 સભ્ય માટે કોને તક આપવી જોઈએ. 2019ની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં હારનારાઓને તક મળી શકે છે. ઘણા એવા નેતાઓ છે, જેમની વિધાન પરિષદમાં પણ મુદત પૂરી થઈ ગઈ છે. જેથી ઘણા લોકો લોબિંગ કરી રહ્યા છે. શિંદે અને ફડણવીસને માનીને પાર્ટીમાં આવેલા લોકોને વધુ તક મળવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...