ભાસ્કર વિશેષ:રાણીબાગમાં પેંગ્વિનના 3 બચ્ચાઓનું નામકરણ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 નર અને 1 માદા બચ્ચાનું નામ ફ્લેશ, બિંગો અને એલેક્સા રાખવામાં આવ્યું

મુંબઈના પ્રાણીસંગ્રહાલય રાણીબાગમાં ત્રણ નવા પેંગ્વિનનો જન્મ થયો છે. આ નવા પેંગ્વિન બચ્ચાઓનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ ત્રણ બચ્ચાઓના નામ ફ્લેશ, બિંગો અને એલેક્સા રાખવામાં આવ્યા છે. આ નવા બચ્ચાઓના આગમન સાથે જ રાણીબાગમાં હમ્બોલ્ટ પેંગ્વિનની સંખ્યા 12 થઈ છે.

રાણીબાગને આ વર્ષે 160 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એવા સમયે ત્રણ નવા પેંગ્વિન બચ્ચાઓનું આગમન થવાથી રાણીબાગના અધિકારીઓ, પર્યટકો અને પ્રાણીપ્રેમીઓમાં અનેરો આનંદ વ્યાપ્યો છે. પ્રાણીસંગ્રહાલયમાં તાજેતરમાં હમ્બોલ્ટ પેંગ્વિનના ત્રણ નવા બચ્ચાઓનો જન્મ થયો છે. તેમના નામકરણ કરીને જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણ બચ્ચાઓમાં બે નર અને એક માદા છે. નર બચ્ચા ફ્લેશનો જન્મ 2 એપ્રિલ 2022, નર બચ્ચા બિંગોનો જન્મ 26 એપ્રિલ 2022 અને માદા એલેક્સાનો જન્મ 9 ઓગસ્ટ 2022ના થયો હતો.

મુંબઈમાં ભાયખલા ખાતે રાણીબાગ પ્રાણીસંગ્રહાલય 19 નવેમ્બર 1862ના શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાન મહાપાલિકાને સુપ્રત કર્યા બાદ એક સાર્વજનિક ઉદ્યાન તરીકે એની દેખભાળની સંપૂર્ણ જવાબદારી મહાપાલિકાએ સ્વીકારી હતી. ત્યારથી આજ સુધી ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય સામાન્ય નાગરિકો, પર્યટકો અને પ્રાણીપ્રેમીઓ માટે આકર્ષણ બની રહ્યું છે.

આ પ્રાણી સંગ્રહાલયનું નૂતનીકરણ કરીને ત્યાં વિવિધ પક્ષી, પ્રાણી લાવવામાં આવ્યા છે. એ સાથે પેંગ્વિન ગેલેરી પણ ઊભી કરવામાં આવી છે. તેથી આ પ્રાણીસંગ્રહાલય મુંબઈ સહિત દેશવિદેશના પર્યટકો અને ખાસ કરીને નાના બચ્ચાઓ માટે આકર્ષણ બન્યું છે.

ઓનલાઈન ટિકિટ સિસ્ટમ શરૂ થઈ
મુંબઈ મહાપાલિકાના પ્રાણી સંગ્રહાલય રાણીબાગ જોવા માટે ઉમટતી ગિરદી ધ્યાનમાં રાખતા ટિકિટ માટે લાઈનમાં ઊભી રહીને સમયનો વેડફાટ ન કરતા સીધા રાણીબાગમાં પ્રવેશ લઈને ફરવાનો આનંદ માણી શકાય એ માટે મહાપાલિકા પ્રશાસને પ્રવેશ કરવા ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાના બદલે ઘેરબેઠા જ ટિકિટ લઈ શકાય એ માટે નવી પદ્ધતિ શરૂ કરી છે.

આ ઓનલાઈન ટિકિટ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ દષ્ટિએ પર્યટકોને માહિતી આપવા પરિસરમાં બધે જ ક્યૂઆર કોડ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. રાણીબાગ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી લિન્કનો ઉપયોગ કરીને મહાપાલિકાની વેબસાઈટ પર પર્યટકો ટિકિટ બુકિંગ કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...