મુસ્લિમોનો વિરોધ:નુપૂર શર્મા સામે પગલાં લેવાની માગણી સાથે મુસ્લિમોનો વિરોધ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પનવેલમાં ઠેરઠેર 1000 મહિલા સહિત 3000 લોકો ઊમટી પડ્યા હતાં

પ્રેષિત મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા માટે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્મા અને તેમના ભૂતપૂર્વ સાથી નવીન જિંદાલ સામે પગલાં લેવાની માગણી સાથે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં શુક્રવારે મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ આંદોલન કરવામાં આવ્યું હતું.

જોકે આ આંદોલન દરમિયાન ક્યાં અનિચ્છનીય ઘટના નોંધાઈ નહોતી. વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા શુક્રવારે બપોરે 3.00 વાગ્યે નમાઝ અદા કર્યા પછી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પનવેલમાં 1000 મહિલા સહિત 3000થી વધુ લોકો વિરોધ કરવા ઊમટી પડ્યાં હતાં.

નૂપુર અને જિંદાલની તુરંત ધરપકડ થવી જોઈએ એવી માગણી તેઓ કરી રહ્યાં હતાં.આ પછી મોવડીમંડળે પનવેલના તહેસીલદારને આવેદનપત્ર આપ્યું હતું. સાંજે 4.00 વાગ્યે વિરોધ શાંતિપૂર્ણ રીતે આટોપી લેવાયો હતો. વાશીમાં શિવાજી ચોક ખાતે પણ વિરોધ કરાયો હતો, જ્યાં મોવડીમંડળે વાશી પોલીસ સ્ટેશનને પોતાની માગણીઓનું આવેદન સુપરત કર્યું હતું.

આ જ રીતે થાણે, ઔરંગાબાદ, સોલાપુર, નંદુરબાર, પરભણી, બીડ, લાતુર, ભંડારા, ચંદ્રપુર અને પુણેમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ સર્વ સ્થળે તેઓ નૂપૂર અને જિંદાલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે એવી માગણી કરતા હતા.વિવિધ સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવાં આવ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે જણાવ્યું કે રાજ્યમાં વિરોધ શાંતિપૂર્ણ રીતે થયો હતો. પોલીસે સ્થિતિને ઉત્તમ રીતે સંભાળી હતી. કોઈએ અન્ય ધર્મ વિરુદ્ધ નહીં બોલવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

નોંધનીય છે કે નુપૂર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન પ્રેષિત મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરતા મુસ્લિમ સમુદાય રોષે ભરાયો છે. અખાતી દેશોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. મામલો ઉગ્ર બનતાં ભાજપે નુપૂરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી છે, જ્યારે જિંદાલની હકાલપટ્ટી કરી છે.

અન્ય સમાચારો પણ છે...