નિયોજન:ચોમાસાના રોગોનો સામનો કરવા મહાપાલિકાની તૈયારીઓ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંબઈ મહાપાલિકા - ફાઈલ તસવાર - Divya Bhaskar
મુંબઈ મહાપાલિકા - ફાઈલ તસવાર
  • હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દોઢ હજાર બેડ તૈયાર રખાશે

કોરોનાની ત્રીજી લહેરને સફળતાપૂર્વક પાછી વાળ્યા પછી હવે મુંબઈ મહાપાલિકાએ ચોમાસામાં થતી બીમારીઓનો સામનો કરવો જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. એમાં છેલ્લા થોડા વર્ષમાં ચોમાસામાં નોંધાતા દર્દીઓની સંખ્યા અનુસાર આ વર્ષે દોઢ હજાર બેડ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દૂષિત પાણીથી થતા અને કીટકજન્ય બીમારીઓના દર્દીઓ માટે મુખ્ય હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને ઉપનગરીય હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોરેએ આપી હતી. મુંબઈ મહાપાલિકાની કેઈએમ, નાયર, સાયન અને કૂપર એમ ચાર મોટી હોસ્પિટલ છે. ઉપરાંત કસ્તુરબા સ્પેશિયલ વાઈરસ હોસ્પિટલ સહિત 16 ઉપનગરીય હોસ્પિટલ, પ્રસુતિગૃહ, દવાખાનાઓ છે. ત્યાં મહાપાલિકાના માધ્યમથી મફત સારવાર કરવામાં આવે છે. મહાપાલિકાની તમામ હોસ્પિટલમાં કુલ 12 હજાર બેડ છે. એમાં વેન્ટિલેટર્સ, આઈસીયુ બેડનો પણ સમાવેશ છે.

મહાપાલિકાની હોસ્પિટલમાં મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણેખાંચરેથી ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે. ચોમાસામાં પ્રદૂષિત પાણીથી થતા અને કીટકજન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યા વધવાની પાર્શ્વભૂમિ પર મહાપાલિકાએ નિયોજન કર્યુઁ છે. હાલની સ્થિતિમાં દોઢ હજાર બેડનું નિયોજન કરવામાં આવ્યું છે અને જરૂર પડશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે એવી માહિતી મહાપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી હતી.

એક મહિના પહેલાં મહાપાલિકા પ્રશાસને લીધેલી બેઠકમાં મચ્છરની ઉત્પતિના ઠેકાણાઓનો નાશ કરવાન નિર્દેશ સંબંધિત યંત્રણાઓને આપ્યો હતો. એ અનુસાર આ સ્થાપનાઓએ કાર્યવાહી કરી હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કાર્યવાહી બાકી હોય તેમને એક અઠવાડિયામાં કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ચોમાસામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાશે.

ભરાયેલા પ્રદૂષિત પાણીનું જોખમ
ચોમાસામાં પાણી ભરાઈ રહેતા હોવાથી કીટકોનો ફેલાવો થાય છે. દૂષિત પાણીના કારણે બીમારીઓ પણ થાય છે. એમાં દૂષિત પાણીના કારણે ગેસ્ટ્રો, ટાઈફોઈડ, કોલેરા, કમળા જેવી બીમારીઓ થાય છે. કીટકોના કારણે મેલેરિયા, ડેંગ્યૂ, ચિકનગુનિયા જેવી બીમારીઓ થાય છે.

અન્ય સમાચારો પણ છે...