સફાઈના કામ શરૂ:મહાપાલિકા દ્વારા મુંબઈમા નાળાસફાઈનો ટાર્ગેટ પૂરો, હજી કાદવ દેખાશે તો એ કાઢવાનું કામ કરાશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ મહાપાલિકા તરફથી ચોમાસા પહેલાંના કામ ઝડપથી ચાલુ છે. નાળાસફાઈનું કામ 31 મેના પૂરું કરવાનો ઉદ્દેશ હતો જે પાર પડ્યો છે. હવે જરૂરિયાત અનુસાર નાળાઓમાં કાદવ દેખાશે તો વધારાનો કાદવ કાઢવાનું કામ કરવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત પી. વેલરાસુએ આપી હતી. મુંબઈમાં દર વર્ષે માર્ચના મધ્યમાં નાળાસફાઈનું કામ શરૂ કરવામાં આવે છે જે આ વર્ષે મોડુ શરૂ થયું હતું. 7 માર્ચના મહાપાલિકામાં ચૂંટાઈ આવેલા નગરસેવકોની મુદત પૂરી થઈ હોવાથી નાળાસફાઈના પ્રસ્તાવ મંજૂરી માટે રખડી પડ્યા હતા.

જો કે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલ સિંહ ચહલે પ્રસ્તાવોને મંજૂરી આપતા 11 એપ્રિલના નાળાસફાઈના કામ શરૂ થયા. આ વર્ષે 31 મે સુધી 9 લાખ 19 હજાર 798.78 મેટ્રિક ટન કાદવ કાઢવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો અને એના કરતા થોડા વધુ પ્રમાણમાં એટલે કે 100.97 ટકા કાદવ કાઢવામાં આવ્યો છે. એમાં શહેર વિભાગ અને મીઠી નદીમાંથી કાદવ કાઢવાનું કામ 3 ટકા બાકી છે.

આ સમયસર કાઢી લેવામાં આવશે એવો વિશ્વાસ મહાપાલિકા પ્રશાસન તરફથી વ્યક્ત કરવામાં આવ્યો છે. મુંબઈ શહેરમાંથી 103.06 ટકા, પૂર્વના ઉપનગરોમાંથી 103.52 ટકા, પશ્ચિમ ઉપનગરોમાંથી 96.61 ટકા, નાના નાળાઓમાંથી 105.16 ટકા અને મીઠી નદીમાંથી 96.39 ટકા કાદવ કાઢવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...