ભાસ્કર વિશેષ:પીવાનું પાણી વધારવા પાલિકાનો એક્શન પ્લાન

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદા પાણી પર પુનર્પ્રક્રિયા કરીને 1 હજાર મિલિયન લીટર પાણી મળવાની શક્યતા

પાણી પુરવઠામાં વધારો કરવા માટે મહાપાલિકા વિવિધ સ્તરે પ્રયત્ન કરે છે. એના જ એક ભાગ તરીકે હવે ગંદા પાણી પર પુનર્પ્રક્રિયા કરીને વધારાનું લગભગ 1 હજાર મિલિયન લીટરથી વધુ પીવાનું પાણી મુંબઈને મળે એવી શક્યતા છે. બાન્દરા, વરલી, ધારાવી સહિત 7 ગંદા પાણીના પ્રકલ્પમાંથી પીવાનું પાણી મેળવવાના વ્યવહારિક અભ્યાસ માટે મહાપાલિકાએ સલાહકારોને આગળ આવવાની હાકલ કરી છે. એના માટે ઓનલાઇન ટેંડર મગાવવામાં આવ્યા છે.

મુંબઈ મહાપાલિકા તરફથી દરરોજ લગભગ 3850 મિલિયન લીટર પાણી પુરવઠો કરવામાં આવે છે. એમાંથી લગભગ 2 હજાર મિલિયન લીટરથી વધુ પાણી ગંદા પાણીના સ્વરૂપમાં સમુદ્રમાં જાય છે. આ ગંદા પાણીના કારણે સમુદ્રના પ્રદૂષણમાં વધારો થતો હોવાથી રાષ્ટ્રીય હરિત લવાદ અને કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે મહાપાલિકાને ગંદા પાણીના પુનર્પ્રક્રિયા પ્રકલ્પ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એ અનુસાર મુંબઈમાં વરલી, બાન્દરા, ધારાવી, વર્સોવા, ઘાટકોપર, ભાંડુપ અને મલાડ એમ સાત ઠેકાણે પ્રકલ્પ ઊભા કર્યા છે.

એમાં દરરોજ લગભગ 2 હજાર 464 મિલિયન લીટર ગંદા પાણી પર પુનર્પ્રક્રિયા કરવામાં આવશે. ગંદા પાણીમાંથી પીવાનું પાણી મેળવવા માટે મહાપાલિકાએ કોલાબા ખાતેના કેન્દ્રિય પ્રાયોગિક ધોરણ પ્રકલ્પ ઊભો કરવાનું નક્કી કર્યું છે. ઉનાળામાં દિવસે લગભગ 37 મિલિયન લીટર અને ચોમાસામાં 25 મિલિયન લીટર ક્ષમતાવાળો આ પ્રકલ્પ છે. એમાંથી પહેલા તબક્કામાં લગભગ 12 મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થશે. ગંદા પાણી પર તૃતીય સ્તરેથી પ્રક્રિયા કરીને ઉપલબ્ધ થતું આ પાણી કોલાબાના એ વોર્ડમાં પીવા માટે વાપરવાનો પ્રસ્તાવ છે.

એ પછી બાકીના સાત ઠેકાણે ગંદા પાણી પર પુનર્પ્રક્રિયા બાદ પીવાનું પાણી ઉપલબ્ધ કરવાનો પ્રસ્તાવિત છે. સલાહકારની નિયુક્તી પછી ગંદા પાણીનું પીવા માટે યોગ્ય પાણીમાં રૂપાંતર કરવા આ ક્ષેત્રના અનુભવી અને આર્થિક તથા સંસ્થાત્મક ક્ષમતાવાળા પાસેથી ટેંડર મગાવવામાં આવશે એવી માહિતી પ્રકલ્પ સાથે સંબંધિત મહાપાલિકાના અધિકારીએ આપી હતી.

પ્રક્રિયામાંથી પુનર્વપરાશનો ઉદ્દેશ
મુંબઇના વધતી લોકસંખ્યાની સરખામણીએ અત્યારે પાણી પુરવઠો ઓછો છે. અત્યારની દરરોજની માગ લગભગ સાડા ચાર હજાર મિલિયન લીટર છે. કુદરતી જળસ્ત્રોત પર ગંદા પાણીની અસર ઓછી કરતા ગંદા પાણીને પીવી યોગ્ય પાણીની ગુણવત્તા મળે એ માટે પ્રક્રિયા કરવી અને એનો પુનર્વપરાશ એ પાછળનો ઉદ્દેશ છે. એના માટે નિષ્ણાત સલાહકારો પાસેથી ટેંડર મગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...