મુંબઈમાં સ્વાઈન ફ્લૂ (એચ1એન1)ના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લાં ત્રણ વર્ષની તુલનામાં આ વર્ષે સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે. ઉપરાંત ગેસ્ટ્રોના કેસ પણ વધી રહ્યા છે. સદનસીબે મલેરિયા સહિતની અન્ય બીમારીઓ કાબૂમાં છે. આમ છતાં આરોગ્ય વિભાગે બધાને આ બીમારીઓથી બચવા માટે સાવધાની રાખવા અનુરોધ કર્યો છે.
1લી જાન્યુઆરીથી 24મી જુલાઈ સુધી મુંબઈમાં સ્વાઈન ફલૂના 66 કેસ નોંધાયા છે, જે 2021માં આ જ સમયગાળામાં 64 અને 2020માં 44 હતા. ગેસ્ટ્રોના 3430 કેસ નોંધાયા છે, જે 2021માં 3110 અને 2020માં 2549 હતા. મલેરિયા દર વર્ષે પરેશાન કરે છે, પરંતુ આ વખતે તે ખાસ્સો કાબૂમાં છે. આ વર્ષે 1640 કેસ નોંધાયા છે, જે 2021માં 5172 કેસ અને 1 મોત અને 2020માં 5007 કેસ અને 1 મોત નોંધાયાં હતાં.
આ જ રીતે લેપ્ટોના 69 કેસ નોંધાયા છે, જે 2021માં 224 કેસ અને 6 મોત અને 2020માં 240 કેસ અને 8 મોત નોંધાયાં હતાં.ડેન્ગ્યુના 173 કેસ નોંધાયાછે. 2021માં તે 876 અને પાંચ મોત, જ્યારે 2020માં 129 કેસ અને 3 મોત નોંધાયા હતા. હેપટાઈટિસના 308 કેસ નોંધાયા છે, જે 2021માં પણ 308 અને 2020માં 263 કેસ નોંધાયા હતા. ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા છે, જે 2021માં 80 અને 2020માં કોઈ કેસ આ સમયગાળામાં નોંધાયો નહોતો.
એન1એન1ને કઈ રીતે ટાળી શકાય : આ બીમારીને ટાળવા માટે ઉધરસ અને ખાંસી આવે ત્યારે હાથરૂમાલ અથવા ટિશ્યુથી નાક- મોઢું ઢાંકવું જોઈએ. હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોવા. આંખ, નાક અથવા મોઢાને સ્પર્શ ટાળવો જોઈએ. ગિરદીનાં સ્થળે જવાનું ટાળવું. જાતે દવા નહીં લેવી જોઈએ. મહાપાલિકાના દવાખાનામાં અથવા ખાનગી ડોક્ટરને બતાવવું જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો છે.
H1N1નાં લક્ષણો
આ બીમારીનાં લક્ષણોમાં તાવ, ખાંસી, ગળામાં સોજો, ગળામાં ખંજવાળ, શરીરમાં દર્દ, માથામાં દર્દ, અતિસાર, ઊલટીનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે લક્ષણાત્મક ઉપચારથી જાય છે. જોકે ગર્ભવતી સ્ત્રી, ડાયાબીટીસગ્રસ્ત, હાઈપરટેન્સિવ હોય તેમનાં લક્ષણો વધે છે અથવા દર્દીને આ લક્ષણો સાથે શ્વાસમાં તકલીફ, છાતીમાં દર્દ, ઊલટીમાં લોહી, નખનો રંગ ભૂરો થવો દેખાય છે. બાળકોમાં દાહક સોજો અને આળસ જોવા મળે છે, જેમાં તપાસ અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.