પ્રશાસનનો નિર્ણય:મુંબઈ-પુણે ડેક્કન ક્વિન હવે ‘રેલવે મ્યુઝિયમમાં’, તાજેતરમાં ઐતિહાસીક​​​​​​​ 92 વર્ષ પૂરા કરનાર પહેલી ડિલક્સ ટ્રેન હતી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટિશકાળમાં શરૂ થયેલી અને તાજેતરમાં 92 વર્ષ પૂરા કરનાર મુંબઈ અને પુણેને જોડતી ડેક્કન ક્વિનનો ઈતિહાસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતેના રેલવે મ્યુઝિયમમાં જોવા મળશે. એ સાથે જ આ ટ્રેનમાં પડદા પર એની માહિતી આપવા માટે મધ્ય રેલવે તરફથી ચકાસણી કરવામાં આવી રહી છે. મુંબઈથી પુણે દરમિયાન 1 જૂન 1930ના ડેક્કન ક્વિન ટ્રેન શરૂ થઈ હતી. એને તાજેતરમાં 92 વર્ષ પૂરા થયા.

આ ટ્રેન 22 જૂનથી નવા સ્વરૂપમાં દોડવાની છે. આ ટ્રેનને એલએચબી ડબ્બા (લિન્ક હોફમેન બુશ) જોડવામાં આવ્યા છે જે વજનમાં હલકા અને મજબૂત છે. ટ્રેનની રેસ્ટોરંટને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. એની આંતરિક સજાવટમાં ફેરફાર કરીને સીટીંગ ક્ષમતા 35 થી 40 કરવામાં આવી છે. નવી ટ્રેન શરૂ થયા પછી જૂની ટ્રેનનો ઈતિહાસ પ્રવાસીઓ અને પર્યટકોને યાદ રહે એ માટે મધ્ય રેલવે તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

મધ્ય રેલવેના મહાવ્યવસ્થાપક અનિલકુમાર લાહોટી અને વિભાગીય રેલવે વ્યવસ્થાપક શલભ ગોયલે સંબંધિત અધિકારીઓને સૂચના કરીને ડેક્કન ક્વિનની માહિતી રેલવે મ્યુઝિયમ દ્વારા પર્યટકો સુધી પહોંચાડવા માટે કેટલીક સૂચના આપી હતી. ડેક્કન ક્વિન ટ્રેનમાં પડદા પર એની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ સંદર્ભે ટૂંક સમયમાં નિર્ણય લેશું એમ ગોયલે જણાવ્યું હતું.

ગ્રેટ ઈંડિયન પેનિન્સુલા રેલવેના ઈતિહાસમાં એક મહત્ત્વનો તબક્કો મહારાષ્ટ્રના બે મુખ્ય શહેર વચ્ચે 1 જૂન 1930ના ડેક્કન ક્વિનની શરૂઆત મધ્ય રેલવેના તત્કાલીન ગ્રેટ ઈંડિયન પેનિન્સુલા રેલવેના ઈતિહાસમાં એક મહત્ત્વનો તબક્કો હતો. મુંબઈ અને પુણેને જોડનારી આ પહેલી ડિલક્સ ટ્રેન હતી.

શરૂઆતમાં આ ટ્રેન 7 ડબ્બાની બે રેક સાથે શરૂ કરવામાં આવી હતી. મૂળ રેકના ડબ્બાઓની અંડરફ્રેમ્સ ઈંગ્લેન્ડમાં બાંધવામાં આવી હતી અને કોચની બોડી જીઆઈપી રેલવેના માટુંગા વર્કશોપમાં બાંધવામાં આવી હતી. ડેક્કન ક્વિનમાં ફક્ત ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસની સગવડ હતી.

ટ્રેનનું મોડેલ જોઈ શકાશે
સીએસએમટી 12 નંબર પ્લેટફોર્મ પર ઊભી રહેતી ડેક્કન ક્વિન ટ્રેનનું નિરીક્ષણ મધ્ય રેલવે મહાવ્યવસ્થાપક અનિલકુમાર લાહોટી, વિભાગીય રેલવે વ્યવસ્થાપક શલભ ગોયલ સહિત બીજા અધિકારીઓએ કર્યું હતું. આ ટ્રેનનો ઈતિહાસ પ્રવાસીઓ અને પર્યટકોને જાણવા મળે એ માટે રેલવેના સીએસએમટી ખાતેના મ્યુઝિયમમાં એના જૂના ફોટો, એની માહિતી આપવા સાથે ડેક્કન ક્વિનનું મોડેલ રાખવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...