અતિમહત્વની વ્યક્તિ એટલે કે વીઆઈપીની ચુસ્ત સુરક્ષા માટે મુંબઈ પોલીસ હવે હાઈટેક બનશે. શહેરના નામ અને દરજ્જા પ્રમાણે અહીં આવતા વીઆઈપીને યોગ્ય એસ્કોર્ટ આપવા 30 ફોર્ચ્યુનર કાર ખરીદવાની તૈયારી પોલીસ કરી રહી છે. એમાં 10 કાર બુલેટપ્રૂફ અને 20 કાર સાદી હશે. આ પ્રસ્તાવ મુંબઈ પોલીસે સરકારને આપ્યો હોવાનું જણાવવામાં આવે છે.
દેશની આર્થિક રાજધાની અને આંતરરાષ્ટ્રીય દરજ્જાના શહેર એવા મુંબઈમાં દરરોજ અતિ મહત્વની વ્યક્તિ, ઝેડ પ્લસ સુરક્ષાવાળી વ્યક્તિ તેમ જ વિદેશી પ્રતિનિધિમંડળની અવરજવર હોય છે. એમાં મુંબઈ શહેરમાં હંમેશા ત્રાસવાદી હુમલાનું જોખમ રહે છે. પરિણામે મુંબઈના પ્રવાસે આવેલા મહત્વના વ્યક્તિઓ માટે પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની હોય છે.
હાલની સ્થિતિમાં મુંબઈ આવતા વીઆઈપીઓના એસ્કોર્ટ માટે બોલેરો, સુમો, મહિન્દ્રા ટીયુવી, સ્કોર્પિયો જેવી કાર કાફલો તૈયાર હોય છે. આ કારની સરખામણીએ વીઆઈપીઓની કાર વધુ હાઈફાય હોય છે. પરિણામે વીઆઈપીઓની કાર સાથે જતા પોલીસની વાહન પાછળ રહી જાય છે. ઉપરાંત એસ્કોર્ટ પરના પોલીસની કારનો રંગ પણ જુદો જુદો હોવાથી એ જોવામાં આકર્ષક દેખાતી નથી.
આ તમામ બાબતનો વિચાર કરીને મુંબઈ પોલીસે હવે વીઆઈપીઓને શોભે અને તેમની કાર સાથે દોડી શકે એવી કારમાં જ તેમને સુરક્ષા કવચ પૂરું પાડવાનું નક્કી કર્યું છે. એ અનુસાર વીઆઈપીઓની સુરક્ષા માટે ફોર્ચ્યુનર ખરીદવાનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે. બજારમાં આવનારી નવી 30 ફોર્ચ્યુનર ખરીદવાનો આ પ્રસ્તાવ છે.
સરકાર આ પ્રસ્તાવને ગ્રીન સિગ્નલ દેખાડે એ પછી મુંબઈ પોલીસના કાફલામાં 10 બુલેટપ્રૂફ અને 20 રેગ્યુલર ફોર્ચ્યુનર કાર દાખલ થશે. શહેરમાં આવતા અતિ મહત્વના વ્યક્તિઓની સુરક્ષા માટે ચુસ્ત એસ્કોર્ટ કરવું જરૂરી હોય છે. એના માટે કેટલીક બુલેટપ્રૂફ કાર અને કેટલીક રેગ્યુલર ફોર્ચ્યુનર ખરીદવાનો પ્રસ્તાવ છે. આ ફોર્ચ્યુનર આવ્યા પછી સુરક્ષા વિભાગને જરૂર અનુસાર એ ઉપલબ્ધ કરી અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.