પર્યટકોને આકર્ષવા માટે જતન:મુંબઈ મહાપાલિકાએ શહેરના હેરિટેજ અને ઐતિહાસિક શિવરી કિલ્લાનું રિપેરીંગ અને સુશોભીકરણ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા પર્યટકોને આકર્ષવા માટે જતન, સંવર્ધન, સૌંદર્યીકરણ કરવામાં આવશે

મુંબઈ મહાપાલિકાએ શહેરના હેરિટેજ અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાપત્યોનું રિપેરીંગ અને સુશોભીકરણ કરવાનો નિર્ણય લીધો છે. એના અંતર્ગત માહિમ અને વરલી કિલ્લા પછી હવે શિવરીના કિલ્લાનું કામ કરવામાં આવશે. આ કામમાં કિલ્લાનો પાયો વધુ મજબૂત કરવામાં આવશે. કિલ્લાનું જતન, સંવર્ધન અને સૌંદર્યીકરણ કરવામાં આવશે. પર્યટકો ફરીથી શિવરી કિલ્લા તરફ આકર્ષાય એ માટે મહાપાલિકાનો પ્રયત્ન છે.

કિલ્લાના સંવર્ધન માટે મહાપાલિકાને મદદ જિલ્લાધિકારી કાર્યાલય પણ આગળ આવ્યું છે. શિવરી ખાડી અને શિવરી કોળીવાડાને જોડતો આ કિલ્લો ખડકાળ ટેકરી પર છે. આ કિલ્લો લગભગ 16મી સદીમાં બાંધવામાં આવ્યો છે. પાંચ સદીઓથી ઉનાળાનો ધોમધખતો તડકો અને શિયાળીની કડકડતી ઠંડી સહન કરનાર આ કિલ્લો આજે પણ આમ તો મજબૂત સ્થિતિમાં છે. કિલ્લા પુરાતત્વ ખાતાનો, કિલ્લાની નીચેનો ભાગ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને શિવરી તરફથી આવતો રસ્તો મહાપાલિકાના અખત્યાર હેઠળ છે.

છેલ્લા થોડા વર્ષોથી કિલ્લાના રિપેરીંગનો પ્રસ્તાવ મહાપાલિકા પાસે છે જેનું મૂરત હવે આવ્યું છે. એના માટે જિલ્લાધિકારી કાર્યાલયમાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મેરીટાઈમ બોર્ડની બેઠક થઈ હતી. આ બેઠકમાં જિલ્લાધિકારી રાજેશ નિવતકર, વિધાનસભ્ય અજય ચૌધરી, ભૂતપૂર્વ નગરસેવક સચિન પડવળ અને બીજા અધિકારીઓ ઉપસ્થિત હતા. થોડા દિવસ પહેલાં જિલ્લાધિકારી નિવતકરે કિલ્લાની મુલાકાત લઈને કિલ્લો સારી સ્થિતિમાં હોવા માટે સંતોષ વ્યક્ત કર્યો હતો અને રિપેરીંગ માટે તૈયારી દર્શાવી હતી.

કિલ્લાના સંવર્ધન માટે મહાપાલિકાએ આર્કિટેક્ટની નિયુક્તી કરીને રૂપરેખા તૈયાર કરી છે. મહાપાલિકાએ રિપેરીંગનો પ્રસ્તાવ જિલ્લાધિકારીને મોકલવો, જિલ્લા નિયોજન વિકાસ ભંડોળમાંથી એના માટે ખર્ચ કરવામાં આવશે. અત્યારે પ્રાથમિક સ્વરૂપમાં 18 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. 1534માં પોર્ટુગીઝોના તાબામાં : શિવરીનો કિલ્લો હાર્બર લાઈનમાં શિવરી સ્ટેશનની પૂર્વમાં દસથી પંદર મિનિટના અંતરે છે.

પરેલ ટાપુના પૂર્વ કિનારા પરની ટેકરી પર આવેલો આ કિલ્લો 1534માં પોર્ટુગીઝોના તાબામાં આવ્યા બાદ કિલ્લાનું રિપેરીંગ કરવામાં આવ્યું હતું. 1672માં જંજિરાના સિદ્ધી તરફથી મુંબઈ પર થયેલા હુમલા બાદ અંગ્રેજોએ અનેક નવા કિલ્લા બાંધ્યા અને જૂના કિલ્લા મજબૂત કર્યા. એમાં આ કિલ્લાનો સમાવેશ હતો. અંગ્રેજોએ 1680માં અને મુંબઈ મહાપાલિકાએ 2007-08માં કિલ્લાનું નૂતનીકરણ અને મજબૂતીકરણ કર્યું હતું.

ફ્લેમિંગો જોવા માટે વોક વે
કિલ્લા નજીકની શિવરી ખાડીમાં દર વર્ષે શિયાળામાં સાઈબિરિયાથી હજારોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષી આવે છે. ફ્લેમિંગો જોવા માટે મુંબઈગરાઓ સહિત દુનિયાના પર્યટકોની અહીં ગિરદી થાય છે. આ બાબત ધ્યાનમાં લેતા પર્યટકો માટે કિલ્લાથી શિવરી ખાડી સુધી વોક વે બાંધવામાં આવશે.

આમ થશે સૌંદર્યીકરણ
કિલ્લાનો પ્રવેશદ્વાર નવેસરથી ઊભો કરવો. કિલ્લાના ઈતિહાસ પર આધારિત ફિલ્મ તૈયાર કરવી. લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે સંસ્થાની નિયુક્તી કરવી. શિવરી-ન્હાવાશેવા પુલ પરથી દેખાતા કિલ્લાના ભાગ પર લાઈટ્સ લગાડવી. શિવરી કોલીવાડા તરફ જતા રસ્તા પર સ્ટ્રીટલાઈટ્સ લગાડવી.પોર્ટ ટ્રસ્ટ જો પરવાનગી આપે તો કિલ્લાની નીચે કેફેટેરિયા તૈયાર કરવો. વૃક્ષોનું વાવેતર અને કિલ્લાના પથ્થરના બાંધકામને પોલીશ કરવું. કિલ્લા પરિસરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી.

અન્ય સમાચારો પણ છે...